ઘણા સમયથી જે ચર્ચા થઇ રહી હતી તે અમેરિકાના પ્રેસિડેન્ટની ભારતની મુલાકાતની તારીખ નક્કી થઇ ગઇ છે. ડોનાલ્ડ ટ્રમ્પની તેમની બે દિવસની મુલાકાતે 24-25 ફેબ્રુઆરીએ ભારતયાત્રાએ પહોંચી રહ્યા છે તેવી વ્હાઈટ હાઉસે સત્તાવાર જાહેરાત કરી છે. તેઓ દિલ્હીની સાથે અમદાવાદની પણ મુલાકાત લેશે. વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ જણાવ્યું છે કે ટ્રમ્પની ભારત મુલાકાતને પગલે ભારત અને અમેરિકા વચ્ચેના દ્વીપક્ષીય સંબંધો વધુ મજબૂત બનવાની અપેક્ષા છે. ભારનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએસના પ્રમુખ ટ્રમ્પ સાથે બે દિવસ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ ઉપરાંત અમદાવાદમાં નવનિર્મિત મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં એક લાખથી વધુ જનમેદનીને ટ્રમ્પ સંબોધશે. ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત ભાજપ, શહેર પોલીસને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપના કોર્પોરેટર તેમજ બૂથ કાર્યકરોને તનતોડ મહેનત કરવા આદેશ આપવામાં આવ્યા છે. બીજી તરફ અમદાવાદના કાર્યક્રમને લઇને સુરક્ષા એજન્સીઓએ પણ પોતાની કામગીરી સઘન બનાવી છે અને ટ્રમ્પ જ્યાં જશે તે સ્થળોની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા છે. રાજ્ય પોલીસ પણ તમામ પ્રકારની સુરક્ષા બાબતે સતર્ક બની ગઇ છે.
પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ પહેલા દિલ્હી અને પછી અમદાવાદ આવશે તેમ વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી સ્ટેફની ગ્રિશામે જણાવ્યું છે. ગત સપ્તાહના અંતે ટ્રમ્પ અને મોદીએ આ મામલે તારીખ નક્કી કરવા ટેલિફોનિક વાતચીત કરી હતી.
આ ચર્ચા દરમિયાન બન્ને નેતાઓએ આ મુલાકાતથી દ્વીપક્ષીય સંબંધો વધુ નવી ઊંચાઈએ લઈ જવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં પણ ટ્રમ્પનું ભાવભર્યું સ્વાગત કરાશે. ટ્રમ્પ અમદાવાદસ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લે તેવી પણ પ્રબળ સંભાવના છે.