(Photo by Carl Court/Getty Images)

મકાન માલીક ઘર ખાલી કરાવશે તેવા ડરે કોવિડ-19થી પીડાતા હોવા છતાં ચૂપ રહેનાર ઉબર ટેક્ષી ડ્રાઇવર રાજેશ જયસિલાન ભુખમરાના કારણે મરણ પામ્યો હતો. અત્યાર સુધીમાં લંડનમાં ઝીશાન અહેમદ, રાજેશ જયસીલન અને અયુબ અખ્તર નામના ઉબર ટેક્ષી ડ્રાઇવરો કોરોનાવાયરસના કારણે મૃત્યુ પામ્યા છે.

લગભગ એક દાયકા પહેલા ભારતથી લંડન આવેલા બે બાળકોના પરિણીત પિતા રાજેશ જયસિલાનનું 11 મી એપ્રિલે હેરોની નોર્થવિક પાર્ક હોસ્પિટલમાં અવસાન થયું હતું. 44 વર્ષીય ડ્રાઇવર ઘણા દિવસોથી તેના ભાડાના રૂમમાં ભુખ્યો પડ્યો રહ્યો હતો તેમ તેણે પત્નીને ફોન પર કહ્યું હતું. તેને ભય હતો કે તે રૂમમાંથી બહાર આવશે તો ઘરના બીજા રહેવાસીઓને તેને કોવિડ-19ની બીમારી છે તેવી ખબર પડી જશે તો મકાન માલીક તેને ઘર ખાલી કરાવી દેશે.

એનએચએસના આઇટી પ્રોફેશનલ સુનિલ કુમારે જણાવ્યું હતું કે ‘’માર્ચ મહિનામાં તેના અગાઉના મકાનમાલિકે તેને કથિતપણે ઘર છોડવા આદેશ આપ્યો હતો, કેમ કે તેઓ માનતા હતા કે જયસિલન મિનિકેબ ડ્રાઇવર હોવાથી ઘરમાં ચેપ લઇ આવશે અને તેના પરિવારમાં રોગ ફેલાવશે. તે વખતે જયસીલનને ઘણી રાતો કારમાં જ સૂવું પડ્યું હતુ.

આ મહિનાની શરૂઆતમાં તે જાતે જ કાર લઇને હોસ્પિટલ ગયો હતો જ્યાં હાલત નાજુક બનતા તેને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યો હતો. કુમારે વિડિઓ કૉલ કરતા બેંગ્લોરમાં તેની પત્ની અને માતાએ તેને બેભાન જોયો હતો અને પછીથી તેનું અવસાન થયું હતુ.

વીસીના દાયકાના બે નાના બાળકોના પિતા ઝિશાન અહેમદનું ગુરુવારે ટૂટીંગની સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં નિધન થયું હતું. એક મિત્રે કહ્યું હતુ કે તેને અંતર્ગત સ્વાસ્થ્યની સમસ્યાઓ હતી. તે તેના માતાપિતાનુ એક માત્ર સંતાન હતો. તે એક મહાન અને ખૂબ જ મોહક વ્યક્તિ હતો. ન કોવિડ-19ના કારણે ગયા અઠવાડિયે અયુબ અખ્તરનું અવસાન થયું હતું.

ગંભીર રીતે બીમાર પડી ગયેલા અન્ય ડ્રાઈવર અબ્દુરઝાક હાદીએ જણાવ્યું હતું કે ‘’મિનિકેબ ડ્રાઇવરો માટે સ્પષ્ટ માર્ગદર્શિકા અને સુરક્ષાના અભાવના કારણે તેઓ રોગ સામે ખૂબ જ સંવેદનશીલ બની રહ્યા છે. કેટલાકે કારની આગળ અને પાછળની સીટો વચ્ચે પ્લાસ્ટીકની આડશો ઉભી કરી છે, પરંતુ ઘણાને ડર છે કે તેથી લાઇસન્સનો ભંગ થાય છે.’’

યુનાઈટેડ પ્રાઈવેટ હાયર ડ્રાઈવર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી યસીન અસલમે જણાવ્યું હતું કે, “અમને લાગે છે કે ઓછામાં ઓછા છ મિનિકેબ ડ્રાઈવરોના મોત થયા છે અને અસંખ્ય લોકો બીમાર છે, તો કેટલાક ગંભીર છે. જે ખૂબ જ દુખદાયક છે.”

કોવિડ-19 હોવાનું નિદાન થાય અને તેમને આઇસોલેટ થવાનું કહેવામાં આવે છે તો ડ્રાઇવરને 14 દિવસ સુધી અઠવાડિયાના £100 લેખે મદદ કરાય છે.