યુરોપિયન કમિશને યુરોઝોન ઋણ કટોકટીના સૌથી ખરાબ સમય દરમિયાન બોન્ડ ટ્રેડિંગ કાર્ટેલ ચલાવવા બદલ ગુરુવારે યુબીએસ અને યુનિક્રેડિટ સહિતની મોખરાની બેન્કોને કુલ 371 મિલિયન યુરોનો દંડ ફટકાર્યો છે.
આ નિર્ણયની જાહેરાત કરતા ઇયુ કમ્પિટિશનનાં વડા મારગ્રીથ વેસ્ટેગરે જણાવ્યું હતું કે, સાત ઇન્વેસ્ટમેન્ટ બેન્કસના ટ્રેડર્સે કિંમત નક્કી કરવા અને સંવેદનશીલ માહિતી આપવા માટે ઓનલાઇન ચેટરૂમ્સમાં સાંઠગાંઠ કરી હતી.
તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નાણાકીય કટોકટીની વચ્ચે આ સ્વીકાર્ય નથી, જ્યારે ઘણા નાણાકીય સંસ્થાનોને જાહેર ભંડોળ દ્વારા બચાવવામાં આવ્યા હતા ત્યારે આ બજારોમાં યુરોપિયન યુનિયનના સભ્ય દેશોના ખર્ચે આ ઇન્વેસ્ટમેન્ટ બેન્ક્સે સાંઠગાંઠ કરી હતી. બેંક ઓફ અમેરિકા અને ફ્રેંચ કંપની નેટિક્સિસ કાયદાકીય મર્યાદાઓને કારણે દંડમાંથી બચી ગઇ હતી. પોર્ટીગોન (અગાઉ વેસ્ટએલબી તરીકે જાણીતી) દ્વારા ગત વર્ષ દરમિયાન કોઇ ટર્નઓવર નહીં થયું હોવાથી તેને કંઇ ચૂકવવું પડ્યું નથી.
જ્યારે જાપાનની નોમુરાને 129.5 મિલિયન યુરો, સ્વિટ્ઝરલેન્ડની યુબીએસને 172.4 મિલિયન યુરો અને ઇટલીની યુનિક્રેડિટને 69.4 મિલિયન યુરો દંડ ફટકારાયો હોવાનું નિવેદનમાં જણાવાયું છે.
વર્ષ 2007 અને 2013ની વચ્ચે નાણાકીય સંકટ દરમિયાન ફોરેન એક્સચેન્જ માર્કેટમાં બે કાર્ટેલ્સ માટે પાંચ બેંકોને મે 2019માં એક બિલિયન યુરો કરતા વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો.