યુગાન્ડાના એશિયન ડાયસ્પોરાના સદસ્યો 1972માં ક્રૂર સરમુખત્યાર ઈદી અમીન દ્વારા એશિયનોને હાંકી કાઢવાની 50મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે ભેગા થઇ રહ્યા છે ત્યારે યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેની દ્વારા ઇસ્ટ આફ્રિકાના અગ્રણી પરિવારોમાંના એક પરિવારના સભ્ય એવા નિમિષા માધવાણીની વરણી યુકેના હાઈ કમિશનર તરીકે નિયુક્તી કરવામાં આવી છે.

આ વર્ષગાંઠ યુગાન્ડાની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠ સાથે પણ જોડાયેલી છે. આ પ્રસંગે સમગ્ર યુકેમાં સંખ્યાબંધ કાર્યક્રમો યોજાવાની અપેક્ષા છે અને નિમિષા માધવાણીની નિમણૂક આ સ્મારકના મહત્વ અને રાષ્ટ્રપતિ મુસેવેનીની સત્તા હેઠળ યુગાન્ડાએ કરેલી પ્રગતિને દર્શાવવા માટે સમયસરની છે.

નિમિષા ઇસ્ટ આફ્રિકાના દિવંગત ઉદ્યોગપતિ જયંતભાઈ મુળજીભાઈ માધવાણી અને મીનાબેન માધવાણીના પુત્રી છે – જેમનું આ વર્ષની શરૂઆતમાં દુઃખદ અવસાન થયું હતું. તેમનો જન્મ યુગાન્ડામાં 1959માં રાજધાની કમ્પાલા નજીકના કાકીરામાં થયો હતો અને તેઓ ફેમિલી એસ્ટેટમાં ઉછર્યા હતા. ઈદી અમીને 1972માં યુગાન્ડાના એશિયનોને હાંકી કાઢ્યા, ત્યારે તેઓ 13 વર્ષની કિશોર વયે તેમના પરિવાર સાથે યુકે આવ્યા હતા.તેઓ લંડન સ્થિત સ્વ. મનુભાઇ અને મયુરભાઇ માધવાણીના ભત્રીજી પણ છે.

નિમિષા માધવાણીએ આ અગાઉ યુનાઈટેડ આરબ અમીરાત અને ઈન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી (IRENA)માં યુગાન્ડાના રાજદૂત તરીકે સેવા આપી હતી. તે પહેલાં, તેઓ ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ અને યુનેસ્કોમાં યુગાન્ડાની રાજદૂત રહી ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે માધવાણી પરિવાર છેલ્લા 100 વર્ષોમાં યુગાન્ડામાં સૌથી વધુ યોગદાન આપનાર પરિવારોમાંનો એક રહ્યો છે.

જો કે, યુગાન્ડામાં માધવાણી પરિવારનું યોગદાન માત્ર આર્થિક રીતે જ નથી. નિમિષા 1990માં યુગાન્ડન ડિપ્લોમેટીક સર્વિસમાં જોડાયા હતા. તેમની પ્રથમ નિમણુક વોશિંગ્ટન ડીસીમાં કરવામાં આવી હતી. તે પછી ભારત અને વિશ્વભરમાં શ્રેણીબદ્ધ પોસ્ટિંગ થઈ. તેમનું છેલ્લુ પોસ્ટિંગ ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે અને સ્વીડનના નોર્ડિક દેશોમાં કરાયું હતું.

નિમિષાની નિમણૂકથી વેપારી સમુદાયને મોટુ પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે અને તેમણે નિમણૂકને આવકારી પણ છે. આ નિમણૂક યુકે સાથેના દ્વિપક્ષીય વેપાર સંબંધોને મજબૂત કરવાના પ્રમુખ મુસેવેનીના પગલાને દર્શાવે છે.

યુકેના પ્રાઇમ મિનિસ્ટરના યુગાન્ડાના ટ્રેડ એન્વોય અને યુગાન્ડાના ટ્રેડ મિશનમાંથી હમણાં જ પાછા ફરેલા લોર્ડ ડોલર પોપટે આ જાહેરાતનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે ‘’નિમિષાની વરણી યુકે-યુગાન્ડન સંબંધોને મજબૂત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. હું યુગાન્ડા સાથે યુકેના ભાવિ વેપાર સંબંધોનું નિર્માણ કરવાનું ચાલુ રાખવા માટે ઉત્સુક છું અને નિમિષા અહીં લંડનમાં સુકાન સંભાળશે તો તે તેને વાસ્તવિક બનાવશે. યુગાન્ડાની સમૃદ્ધિ યુકેની સમૃદ્ધિ સમાન છે. યુકે અને યુગાન્ડા વચ્ચેના વેપારમાં વધારો થવાથી વધુ નોકરીઓ ઉભી થશે, નિકાસમાં વધારો થશે અને ટેકનોલોજી ટ્રાન્સફર થશે.”

નિમિષા માધવાણી પણ આ સમાચારથી ખુશ હોવાનું મનાય છે અને તે નવા વર્ષમાં લંડનમાં તેમના મિશનની સેવા અને સ્થાપના કરવા માટે ઉત્સુક છે.