બ્રિટને સોમવારે નવા કોરોના વાયરસને જાહેર આરોગ્ય માટે એક ગંભીર જોખમ જાહેર કરી સરકારને વાયરસના ફેલાવા સામે લડવાની વધારાની સત્તાઓ આપી હતી. સરકારે બ્રિટનના વિરલની એરો પાર્ક હોસ્પિટલ અને કેન્ટ્સ હિલ પાર્કને “આઇસોલેટેડ” ફેસેલીટીઝ અને ચીનના વુહાન અને હુબેઇ પ્રાંતને ચેપગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યા છે. અત્યાર સુધીમાં બ્રિટનમાં કોરોના વાયરસના વધુ ચાર કેસ નોંધાતા કેસની કુલ સંખ્યા 8 થઇ છે. જે બ્રિટિશ નાગરિકો વુહાનથી પાછા ફર્યા છે, તેઓને 14 દિવસ અલગ રખાશે. સેક્રેટરી ઓફ ધ સ્ટેટે જણાવ્યું હતું કે ‘આ વાયરસનો ચેપ વધુ લોકોને અસર કરતો રોકવા સરકારે અસરકારક પગલા લેવાનુ નક્કી કર્યુ છે અને કોરોના વાયરસ હોવાના શંકાસ્પદ તમામ દર્દીઓને ફરજિયાત અલગ રખાશે.
બ્રાઇટનમાં આ સપ્તાહના અંતે ત્રણ પુરુષો અને એક મહિલા સહિત વધુ ચાર દર્દીઓ હોવાનું નિદાન થતા તેમને સારવાર માટે લંડનની નિષ્ણાત હોસ્પિટલમાં લઈ જવાયા હતા આ બધા દર્દીઓ બ્રાઇટનના એક બિઝનેસમેનના ‘જાણીતા સંપર્કો’ હતા જે બિઝનેસમેન ગયા શુક્રવારે યુકેના ત્રીજો કેસ બન્યા હતા. જેમને ગાય્સ અને સેન્ટ થોમસ અને લંડનની રોયલ ફ્રી હોસ્પિટલના ચેપી રોગોના વોર્ડમાં અલાયદા રાખવામાં આવ્યા છે. ત્યાં વાયરસ વધુ ફેલાતો અટકાવવા મજબૂત ચેપ નિયંત્રણ પગલાં લેવાઇ રહ્યા છે.
બ્રિટીશ ગેસ એનાલિટિક્સ કંપની સર્વોમેક્સ દ્વારા સિંગાપોર ખાતે આયોજીત બિઝનેસ કોન્ફરન્સમાં ગયેલા બ્રિટનના બ્રાઇટનના આધેડ વયના બિઝનેસમેનને ચેપ લાગ્યો હતો. તે પછી તેઓ 28 જાન્યુઆરીએ ઇઝિ જેટ ફ્લાઇટમાં બ્રિટન પરત ફરતા પહેલા લેસ કોન્ટામિન્સ-મોંટજોઇ, ફ્રાન્સ ખાતે આવેલા સ્કી ચેલેટની મુલાકાત લીધી હતી. તેમની સાથે સ્કી ચેલેટમાં રહેતા પાંચ બ્રિટીશ નાગરીકોને ચેપ લાગ્યો હોવાનુ બહાર આવ્યુ છે. હવે તે તે નયનરમ્ય શહેરના સેંકડો રહેવાસીઓની તપાસ થઇ રહી છે.
ઇંગ્લેન્ડના ચિફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ક્રિસ વિટ્ટીએ જણાવ્યું હતું કે ‘ઇંગ્લેન્ડમાં વધુ ચાર દર્દીઓ નોવેલ કોરોના વાયરસ માટે પોઝીટીવ જણાયા હતા. પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના નિષ્ણાંતો યુકેના દર્દીઓ સાથે સંપર્કમાં આવનાર લોકોને શોધી કાઢવા સતત મહેનત કરી રહ્યા છે અને તેમણે સફળતાપૂર્વક આ વ્યક્તિઓની ઓળખ કરી ખાતરી આપી છે કે તેમને યોગ્ય માર્ગદર્શન અને સારવાર અપાય છે. એનએચએસ આ કેસોનું સંચાલન કરવા અને તેમની સારવાર માટે અત્યંત સારી રીતે તૈયાર છે.
મિનિસ્ટર્સે ઘોષણા કરી હતી કે 40,000થી વધુને ચેપ લગાડનારા અને 1000થી લોકોના મોત માટે જવાબદાર કોરોનાવાયરસ બ્રિટિશ જનતા માટે ‘ગંભીર અને નજીકનો’ ખતરો છે. અત્યારે વિરલની એરો પાર્ક હોસ્પિટલમાં રખાયેલા દર્દીઓ 31 જાન્યુઆરીએ યુકે પાછા આવ્યા હતા.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડા ટેડ્રોસ અધાનૉમે સોમવારે ચેતવણી આપી હતી કે ચીનની મુસાફરી ન કરી હોય તેવા લોકોમાં પણ કોરોનાવાયરસના કેસ જોવા મળ્યા છે જે “હિમશીલાની ટોચ” જેવા હોઈ શકે છે. તેમણે તમામ દેશોને વિનંતી કરી છે આ વાયરસના સંભવિત આગમન માટે તેઓ તૈયાર રહે, કારણ કે અત્યારે નાની સંખ્યામાં જણાતા કેસો અન્ય દેશોમાં વધુ વ્યાપક ચેપ ફેલાવી શકે છે. તે નિવારવા માટે ઝડપી નિદાન તથા જાહેર આરોગ્યના અન્ય સાધનો અને લેબોરેટરીની ક્ષમતા વધારવી પડશે.
ઘણા દેશોએ ચીનથી આવતા લોકોના આગમન પર પ્રતિબંધ મૂક્યો છે અને અગ્રણી એરલાઈન્સે ચીન માટેની ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. જર્મની, બ્રિટન, ઇટાલી, ફ્રાંસ, રશિયા, બેલ્જિયમ, સ્વીડન, ફિનલેન્ડ અને સ્પેઈનમાં વાયરસના કેસો નોંધાયેલા છે. વાયરસ ઓછામાં ઓછા 27 દેશો અને પ્રદેશોમાં ફેલાયો છે અને ચાઇનાની બહાર બે મૃત્યુ નોંધાયા છે, જે બંને ચીની નાગરિકો છે.
આ મહિનામાં બાર્સેલોના ખાતે 24-27 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા અને 100,000થી વધુ મુલાકાતીઓ આવે છે તે મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાંથી એમેઝોન કોરોના વાયરસના રોગચાળાના કારણે બહાર નીકળી ગયુ છે. ટેલિકોમ ઉદ્યોગના સૌથી મોટા આયોજનને પડેલો એક મોટો ફટકો છે. આ પહેલા દક્ષિણ કોરિયાની એલજી ઇલેક્ટ્રોનિક્સ, સ્વીડિશ ઈક્વીપમેન્ટ ઉત્પાદક એરિક્સન અને યુ.એસ. ચીપમેકર એનવિડિયાએ પણ આવો જ નિર્ણય જાહેર કર્યો હતો. જો કે આયોજક જીએસએમએ ટેલિકોમ ઉદ્યોગ સંગઠને જણાવ્યુ હતુ કે તેઓ કોરોનાવાયરસ સામે રક્ષણ આપવા આરોગ્યની તકેદારી કડક બનાવશે. આ રોગચાળાને કારણે ચીન અને વિદેશમાં બે ડઝન મોટા ટ્રેડ ફેર અને કોન્ફરન્સીસ મુલતવી રખાયા છે