પ્રતિકાત્મક તસવીર (istockphoto)

કોરોના સામે ઝઝુમી રહેલા નેપાળને યુકે દ્વારા મદદ કરવામાં આવી છે. યુકેમાંથી નેપાળને 260 વેન્ટીલેટર્સ, બે હજાર પીપીઇ કિટ અને ડોક્ટર્સને મોકલવામાં આવ્યા છે.
યુકે પાસે વધારે રહેલા આ સામાન સાથેનું એક વિમાન 27 મે ના રોજ નોર્ટનથી કાઠમંડુ ગયું હતું. આ ફ્લાઇટમાં બે આરોગ્ય નિષ્ણાતો પણ નેપાળ ગયા છે. તેઓ કાઠમંડુમાં બ્રિટિશ એમ્બેસી સાથે સંકલન કરીને મહામારીના સમયમાં નેપાળ સરકારને યુકે તરફથી વધુ કેવી રીતે મદદ કરી શકાય તે માટે સ્થિતિની સમીક્ષા કરશે.
નેપાળમાં કોવિડ-19થી સંક્રમિત કેસની સંખ્યા વધુ હોવાથી દેશનું આરોગ્ય તંત્ર ઓક્સીજન સહિતના મેડિકલ સાધનોની અછતનો સામનો કરી રહ્યું છે.
નેપાળ સરકારે મદદની માગણી કરી હોવાથી આ સહાય મોકલવામાં આવી છે. આ અંગે ફોરેને સેક્રેટરી ડોમિનિક રાબે જણાવ્યું હતું કે, અમે અમારા નેપાળી મિત્રો સાથે ખભેથી ખભો મિલાવીને ઊભા છીએ, આ સહાયથી લોકોના જીવન બચશે અને દેશી સૌથી વધુ જરૂરીયાતને પૂર્ણ કરવામાં મદદ મળશે.
જ્યારે હેલ્થ અને સોશિયલ કેર સેક્રેટરી મેટ હોન્કોકે જણાવ્યું હતું કે, નેપાળની ખરાબ સ્થિતિ ખૂબ જ પડકારજનક છે અને અમે તેમના આરોગ્ય તંત્રને મદદ કરવા તેમ જ લોકોને સલામત રાખવા માટે જીવન રક્ષક સાધનો મોકલી રહ્યા છીએ. અમે નેપાળની સરકાર સાથે કાર્યરત રહીશું અને તેમની જરૂરીયાત મુજબ વધુ મદદ પહોંચાડીશું.
છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી નેપાળમાં મહામારીના ગંભીર સંકટમાં યુકે નેપાળ સરકાર સાથે ખૂબ જ ગાઢ રીતે કામ કરી રહ્યું છે. અને તેના માટે વિવિધ પ્રકારની મદદ પહોંચાડવામાં આવી છે જેમાં નેપાળ પોલીસ હોસ્પિટલ ખાતે ઓક્સીજન પ્લાન્ટ માટે 180,000 પાઉન્ડનું ભંડોળ, આરોગ્ય નિષ્ણાતો, મેડિકલના સાધનો, પીપીઇ, ઓક્સીજન કન્સેન્ટ્રેટર્સ અને વેન્ટિલેટર્સનો સમાવેશ થાય છે.