પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

યુકેમાં આરોગ્ય ક્ષેત્રે સેવા આપતા 14,000 જેટલા ડૉક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, મિડવાઇવ્સ, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, સાયકોલોજિસ્ટ્સ જેવા વિદેશી ફ્રન્ટલાઈન હેલ્થકેર વર્કર્સ અને તેમના આશ્રિતોને એક વર્ષનું ફ્રી ઓટોમેટિક વિઝા એક્સટેન્શન જાહેર કરવામાં આવ્યું છે.

પહેલી ઑક્ટોબર 2021 પહેલા જેમના વિઝા પૂરા થશે તેમને આ વિઝા એક્સટેન્શન મળશે. આવા અરજદારોમાં ભારતીય ડૉક્ટરો, નર્સોનો પણ સમાવેશ થાય છે. આ માટે કોઇ ચાર્જ લેવામાં આવશે  નહીં. નેશનલ હેલ્થ સર્વિસ (એનએસએસ)માં ફરજ બજાવતા વિદ્યાર્થીઓને પણ એક વર્ષનું વિઝા એક્સટેન્શન મળશે તેવું યુકે હોમ ઑફિસે શુક્રવારે જાહેર કર્યું હતું.

ગયા વર્ષે મફત એક્સ્ટેંશન શરૂ કર્યા પછી, હોમ ઑફિસ દ્વારા યુકેમાં 10,000થી વધુ લોકોના વિઝા વધાર્યા હતા.

આ માટે યોગ્ય અરજદારોએ તેમની ઓળખના વેરિફિકેશન માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે ‘’કોરોનાવાયરસ સામે યુકેની લડતમાં મદદ કરી રહેલા વિદેશી હેલ્થ કેર વર્કર્સનું સમર્પણ અને કૌશલ્ય ખરેખર અસાધારણ છે. હજારો લોકોએ આ રોગચાળા દરમ્યાન અસંખ્ય લોકોના જીવ બચાવવામાં મદદ કરી છે અને હવે તેઓ રસીકરણના સફળ રોલઆઉટમાં મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યા છે.’’

સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર હેલ્થ એન્ડ સોશ્યલ કેર મેટ હેનકોકે કહ્યું હતું કે ‘’અમારા વિદેશી હેલ્થ કેર કાર્યકરોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને રોગચાળા સામેની લડતનો મુખ્ય ભાગ રહ્યા છે.’’