બ્રિટનમાં ફુગાવો ૯ ટકાની ૪૦ વર્ષની ઊંચાઇએ પહોંચ્યો છે ત્યારે અર્થતંત્રમાં મંદીની આશંકા વધી છે. બુધવારે ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS)ના જણાવ્યા અનુસાર બ્રિટનમાં માર્ચ મહિનામાં ફુગાવો ૭ ટકા હતો, જે એપ્રિલમાં વધીને હવે ૯ ટકા થયો છે. ફુગાવાનો આ દર 1980ના દાયકા પછીથી સૌથી ઊંચો છે. આ ઉપરાંત જી-સેવન દેશોમાં બ્રિટનમાં ફુગાવો સૌથી ઊંચો છે. અમેરિકામાં હાલ 8.3 ટકા અને જર્મનીમાં 7.4 ટકા ફુગાવો છે.

યુકેના ચાન્સેલર ઓફ એક્સચેકર રિશી સુનાકે ફુગાવામાં વૃદ્ધિ માટે ઊર્જાના વૈશ્વિક ભાવોની વૃદ્ધિને જવાબદાર ઠેરવી છે. ઉલ્લેખનીય છે કે, સુનાક પર ઘરના જુદાજુદા બિલોમાં મોટા ઉછાળને કારણે રોજિંદા બજેટનો ખર્ચ હળવો કરવાના પગલાં લેવાનું દબાણ છે. સુનાકે જણાવ્યું હતું કે, “વિશ્વભરના દેશો વધતા ફુગાવાનો સામનો કરી રહ્યા છે. ફુગાવાના આજના આંકડા માટે એપ્રિલમાં ઊર્જા સ્રોતોના ભાવમાં વૃદ્ધિ જવાબદાર છે. જેનું મુખ્ય કારણ ક્રૂડ અને ગેસના વૈશ્વિક ભાવમાં વધારો છે. આપણે નાગરિકોને આ વૈશ્વિક પડકારોમાંથી સંપૂર્ણપણ બચાવી શકીએ નહીં, પણ તેમને નોંધપાત્ર સહાય પૂરી પાડી શકીએ. અમે વધુ પગલાં લેવા તૈયાર છીએ.”

ONSનો ડેટા દર્શાવે છે કે, એપ્રિલમાં ગૂડ્ઝ અને સર્વિસિસના રોજિંદા ભાવમાં વ્યાપક વધારો નોંધાયો છે. જેમાં મોટા ભાગનો વધારો ક્રૂડ ઓઇલ, ગેસના ઊંચા ભાવને કારણે છે. ONSના મુખ્ય અર્થશાસ્ત્રી ગ્રાન્ટ ફિટ્ઝનરે જણાવ્યું હતું કે, “વીજળી અને ગેસના ભાવમાં મોટી વૃદ્ધિને કારણે એપ્રિલમાં ફુગાવામાં તીવ્ર ઉછાળો નોંધાયો હતો. ઉપરાંત, ગૂડ્ઝના ભાવ પણ સતત વધ્યા હતા. તેને લીધે ખાદ્ય ચીજો, ટ્રાન્સપોર્ટ ઇક્વિપમેન્ટ, મેટલ્સ, મશિનરી અને ઇક્વિપમેન્ટના ભાવમાં વૃદ્ધિ થઈ હતી.”