યુકેમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટના વધતા જતા કેસોને કારણે આવનારા સયમમાં કેટલાક બિઝનેસ પર અસર પડવાની હોવાથી ચાન્સેલર રિશી સુનકે એક બિલિયન પાઉન્ડના પેકેજની જાહેરાત કરી છે. યુકેના હોસ્પિટાલિટી અને લીઝર સેક્ટર સાથે સંકળાયેલા દરેક એકમને 6 હજાર પાઉન્ડ મળશે.
અનેક રેસ્ટોરન્ટમાં અગાઉથી થયેલુ બુકિંગ કેન્સલ કરવામાં આવી રહ્યું છે. ક્રિસમસ અગાઉ કેસો વધતા અનેક બિઝનેસને સામાન્ય સંજોગોમાં થતા બિઝનેસની સરખામણીમાં 40થી 60 ટકા ઓછો બિઝનેસ થયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા જાહેરાત કરાયેલા ભંડોળ હેઠળ બે લાખ એકમોને આવરી લેવામાં આવશે અને તેમને સહાય ચૂકવવામાં આવશે.
સુનકે એક નિવેદનમાં જણાવ્યું છે કે અમે જાણીએ છીએ કે કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના કારણે હોસ્પિટાલિટી સેક્ટરને મોટા પ્રમાણમાં નુકસાન થશે. જેને ધ્યાનમાં રાખીને અમે તેમને મદદ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે એક બિલિયન પાઉન્ડની ફાળવાયા છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ કોરોના મહામારીને પગલે બ્રિટિશ સરકાર દ્વારા વિવિધ સેક્ટરો માટે પેકેજ જાહેર કરવામાં આવ્યા હતાં. ઓમિક્રોનના વધતા જતા કેસોને પગલે નાતાલ હોવા છતાં બ્રિટનના લોકો સાવચેતી રાખી રહ્યાં છે. જેના કારણે હોસ્પિટાલિટી સેક્ટરને માઠી અસર થઇ છે