કાનપુરમાં અત્તર અને પાનમસાલાના વેપારી પિયુષ જૈનને ત્યાં દરોડો પાડતા રૂ. 177 કરોડ રોકડા મળ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)ના ચેરમેન વિવેક જોહરીએ જણાવ્યું કે સીબીઆઈસીના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી છે.
બોગસ ઈન્વોઈસનો આખો ભાંડો અમદાવાદમાં સોપારી ભરેલી ટ્રકો રોકતા ફૂટયો હતો. થોડા દિવસો અગાઉ અમદાવાદ શહેરમાં પ્રવેશતી કેટલીક ટ્રકોને અટકાવીને પૂછપરછ કરવામાં આવી ત્યારે એવી ખબર પડી કે બોગસ ઈન્વોઈસ બનાવીને સુગંધી સોપારી, ગુટકા બનાવવા માટેની સામગ્રી કાનપુરથી મોકલવામાં આવી હતી.
ઇન્કમટેક્સ ડીપાર્ટમેન્ટની ઈન્ટેલીજન્સ વિંગના કેટલાક અધિકારીઓએ કાનપુર અને કનૌજ ખાતે વધુ તપાસ કરતા આ મોટી ટેક્સચોરીનો પર્દાફાશ થયો હતો. દરોડાની વિગતો આપતા વિવેક જોહરીએ જણાવ્યું કે ડીજીજીઆઈના અમદાવાદ યુનિટને માહિતી મળી કે પાન મસાલા અને જી કંપની ત્રિમૂર્તિ ફ્રેગરન્સ, બ્રાન્ડેડ ગુટકાના ઉત્પાદકો, કોઈપણ ઈન્વોઈસ વિના અને ટેક્સ ચુકવ્યા વગર માલ મોકલી રહ્યા છે.
આથી ડીજીજીઆઈ (અમદાવાદ)એ પાન મસાલાના ઉત્પાદક અને તેમના સપ્લાયરની પ્રીમાઈસીસ પર દરોડા પાડવાનું શરૂ કર્યું. ઉન્નાઉના એક ટ્રાન્સપોર્ટર અને ફ્રેગરન્સ કંપનીને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા, કારણ કે તેઓ પણ પાન મસાલા કંપનીને ફ્રેગરન્સનો પૂરવઠો પુરો પાડતા હતા.
વિવેક જોહરીએ વધુ માહિતી આપી કે આમાં સંડોવાયેલી એક પાર્ટીએ ટેક્સ ચોરી કબૂલ કરીને તેના માટે રૂ. ત્રણ કરોડ જમા કરાવી દીધા છે. હજી સુધી કોઈ ધરપકડ નથી કરાઈ. જીએસટી કાયદા મુજબ ઈન્વોઈસની રકમ અમુક મર્યાદાથી વધુ હોય તો ઈન્વોઈસ બનાવવા જરૂરી છે. દરોડા દરમિયાન ડીજીજીઆઈને એવી આઈટમ પણ મળી જેના પર 28 ટકા જીએસટી લાગુ પડે છે.
દરોડામાં બે કબાટ ભરીને રોકડ રકમ મળી હતી. રોકડાના બંડલ કાગળના કવરોમાં લપેટાયેલા હતા. દરેક કવરમાં આવા 30 બંડલ હતા. રોકડ રકમની ગણતરી માટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (કાનપુર)ના અધિકારીઓની મદદ લેવામાં આવી છે.
આ રોકડની ગણતરી લાંબો સમય ચાલુ રહી હતી.
ઉપરાંત પર્ફ્યુમના ઉત્પાદનો સપ્લાય કરતા મેસર્સ ઓડોકેમ ઈન્ડસ્ટ્રીઝના ભાગીદારોની ફેકટરીમાં પણ રેડ પાડવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પિયુષ જૈને એક મહિના અગાઉ સમાજવાદી અત્તરની લોન્ચિંગ લખનઉમાં કર્યું હતું. આ લોન્ચિંગ સમાજવાદી પાર્ટીના પ્રેસિડેન્ટ અખિલેશ યાદવે કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 22 ફુલોથી અત્તર બનાવવામાં આવ્યું હતું.