લોસ એન્જેલસ ઓલિમ્પિક્સ, 2028નો સંપૂર્ણ કાર્યક્રમ ગયા સપ્તાહે જાહેર કરાયો હતો. તેમાં એક વિશેષ આકર્ષણરૂપ ટુર્નામેન્ટ 14 જુલાઈથી શરૂ થશે. 100 વર્ષ પછી ક્રિકેટ ઓલિમ્પિકમાં પરત ફરી રહ્યું છે. ઓલિમ્પિક્સ માટેની મહિલા ક્રિકેટ ઇવેન્ટ્સનો આરંભ 12 જુલાઈથી શરૂ થશે અને 20 જુલાઈએ ફાઇનલ રમાશે. જ્યારે પુરુષોની ક્રિકેટ ઈવેન્ટ્સનો આરંભ 22 જુલાઈ થશે અને 29મીએ ફાઈનલ રમાશે.
LA28ના CEO રેનોલ્ડ હૂવરે જણાવ્યું હતું કે ટિકિટ રજિસ્ટ્રેશન જાન્યુઆરી 2026માં શરૂ થશે.લોસ એન્જેલસ 2028 અત્યાર સુધીની સૌથી મોટો ઓલિમ્પિક્સ રહેશે. તેમાં 36 વિવિધ રમતોની સ્પર્ધાઓ માટે 49 સ્થળો અને 18 ઝોન (લોસ એન્જલસ અને ઓક્લાહોમા સિટીમાં) નક્કી કરાયા છે. ઉદઘાટન સમારંભ 14 જુલાઈએ અને અને સમાપન સમારંભ 30 જુલાઈએ યોજાશે.
ઓલિમ્પિક્સના ઇતિહાસમાં પહેલીવાર સંખ્યાની દ્રષ્ટિએ દરેક ટીમ રમતમાં મહિલા ટીમ પુરુષોની ટીમની બરાબરી કરશે અથવા તેમની સંખ્યા કરતાં વધુ હશે. કુલ રમતવીરોમાં 50.5% મહિલાઓ હશે. આ અત્યાર સુધીનું સૌથી મોટું મહિલા પ્રતિનિધિત્વ હશે.
ઓલિમ્પિક્સના 15મા દિવસે સૌથી વધુ – 23 રમતોની 26 ફાઇનલ રમાશે, જેમાં 15 ટીમ રમતો અને 15 વ્યક્તિગત રમતોમાં મેડલ મેચનો સમાવેશ રહેશે.
ટોકિયો 2020 પછી બેઝબોલ અને સોફ્ટબોલ મુખ્ય ઇવેન્ટ તરીકે ઓલિમ્પિકમાં પરત ફરશે. બેઝબોલ ઓપનિંગ સેરેમની પહેલા શરૂ થશે. સોફ્ટબોલ ફાઇનલ 15મા દિવસે યોજાશે.
ઓલિમ્પિકમાં પહેલી વાર ફ્લેગ ફૂટબોલ અને સ્ક્વોશનો સમાવેશ કરવામાં આવશે. ફ્લેગ ફૂટબોલ ફાઇનલ દિવસ 7 (મેન્સ) અને દિવસ 8 (વુમન્સ)ના રોજ રમાશે. સ્ક્વોશ ફાઇનલ નવમા દિવસે (મહિલાઓ) અને 10માં દિવસે રમાશે.












