A war has been waged against Russia and we will emerge victorious: Putin

રશિયા અને યુક્રેન વચ્ચે તંગદિલી વચ્ચે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને પૂર્વ યુક્રેનના બે બળવાખોર વિસ્તારો ડોનેત્સ્ક અને લુગાન્સ્કની સ્વતંત્રતાને માન્યતા આપી છે. વળતા પગલાં તરીકે અમેરિકાએ આ બંને બળવાખોર વિસ્તારો સામે આર્થિક પ્રતિબંધની જાહેરાત કરી છે અને રશિયા પર પણ પ્રતિબંધ મૂકવાની તૈયારી ચાલુ કરી છે. રશિયાના નિર્ણયની અમેરિકા, ફ્રાન્સ, જર્મની સહિતના દેશોએ આકરી ટીકા કરી છે. યુક્રેનના અનુરોધને પગલે હવે સંયુક્ત રાષ્ટ્રસંઘની સિક્યોરિટી કાઉન્સિલની તાત્કાલિક બેઠક યોજાય તેવી શક્યતા છે. રશિયાના આ પગલાને કારણે પશ્ચિમી દેશો અને યુક્રેન સાથે તણાવ વધવાની શક્યતા વધુ પ્રબળ બની છે.

પુતિને જણાવ્યું હતું કે, ‘મારુ માનવું છે કે, ડોનેત્સ્ક પીપલ્સ રિપબ્લિક અને લુગાન્સ્ક પીપલ્સ રિપબ્લિકની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વને તાત્કાલિક માન્યતા આપવા માટે લાંબા સમયથી અટકી રહેલો નિર્ણય લેવો જરૂરી છે.’ ક્રેમલિનમાં બળવાખોર નેતાઓની સાથે પારસ્પરિક સહાયતા કરાર પર હસ્તાક્ષર કરતાં પહેલા પુતિને આ જાહેરાત કરી હતી. અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડને રશિયાના આ પગલાની નિંદા કરી છે. તેમણે ફ્રાન્સના પ્રેસિડન્ટ અને જર્મનીના ચાન્સલર સાથે વાત કરી હતી. યુક્રેનના પ્રેસિડન્ટે રશિયા વિરુદ્ધ પૂરી રીતે પ્રતિબંધ લગાવવાની માગણી કરી છે અને આતંરરાષ્ટ્રીય સમર્થન માંગ્યું છે.

અમેરિકાએ પૂર્વ યુક્રેનમાં રશિયા દ્વારા નવી માન્યતા પ્રાપ્ત પ્રદેશો સામે નાણાકીય પ્રતિબંધોની જાહેરાત કરી છે. અમેરિકાએ ડોનેત્સ્ક અને લુગાન્સ્કની સામે પ્રતિબંધ મૂક્યા છે, પરંતુ રશિયા પર હાલમાં પ્રતિબંધ મૂક્યા નથી. ફ્રાન્સના પ્રેસિડન્ટ ઈમેન્યુઅલ મેક્રોને યુક્રેનના બે વિદ્રોહી વિસ્તારોને સ્વતંત્ર માન્યતા આપવાના રશિયાના આ પગલાની નિંદા કરી છે અને યુરોપિયન યુનિયનને મોસ્કો પર નવા પ્રતિબંધો લાદવા વિનંતી કરી છે.

અમેરિકા અને ફ્રાન્સ સહિત પશ્ચિમી દેશોએ સહયોગી યુક્રેનમાં અલગતાવાદી વિસ્તારોની રશિયા દ્વારા માન્યતા આપવાના વિરોધમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની એક તાત્કાલિક બેઠકનો અનુરોધ કર્યો છે. યુક્રેનના ડોનેત્સ્ક અને ગુહાન્સ્ક વિસ્તારો એકસાથે ડોનબાસ તરીકે ઓળખાય છે અને 2014માં યુક્રેન સરકારના અંકુશમાં અલગ પડ્યા હતા અને પોતાને સ્વતંત્ર જાહેર કર્યા હતા. જોકે સ્વતંત્ર દેશ તરીકે અત્યાર સુધી માન્યતા મળી ન હતી. આ વિસ્તારોને રશિયાનું સંપૂર્ણ સમર્થન છે. હવે આ બંને વિસ્તારોને રશિયાએ સ્વતંત્ર જાહેર કર્યા હોવાથી મોસ્કો ખુલ્લી રીતે બંને વિસ્તારોમાં તેની મિલિટરી મોકલી શકે છે અને દલીલ કરી શકે છે કે તે યુક્રેનથી રક્ષણ આપવા માટે સાથી દેશોને મદદ કરી રહ્યું છે.