ત્રાસવાદી પ્રવૃત્તિઓ માટે માટે હથિયારબંધ ડ્રોનના ઉપયોગની સંભાવનાઓ અંગે વૈશ્વિક સમુદાયે ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે, એમ ભારતે યુએનની જનરલ એસેમ્બલીમાં જણાવ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલાના એક દિવસ બાદ ભારતે યુએનમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.

ગૃહ મંત્રાલયના વિશેષ સચિવ (આંતરિક સુરક્ષા) વી એસકે. કૌમુદીએ જણાવ્યું હતું કે આજે ત્રાસવાદના દુષ્પ્રચાર અને કેડરની ભરતી માટે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે. ત્રાસવાદીઓને નાણાકીય મદદ માટે પેમેન્ટ મેથડ અને ક્રાઉડ ફંડિંગના પ્લેટફોર્મ્સનો દુરુપયોગ થઈ રહ્યો છે અને આતંકવાદીઓ હવે ડ્રોન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી રહ્યા છે અને આ સરળતાથી ઉપલબ્ધ છે. ડ્રોન દ્વારા આતંકવાદીઓ હથિયાર અથવા વિસ્ફોટકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી મોકલી રહ્યા છે. આ દુનિયાભરમાં સુરક્ષા એજન્સીઓ માટે ખતરો અને પડકાર બન્યું છે.

જનરલ એસેમ્બલીની સભ્ય દેશની ત્રાસવાદ વિરોધી એજન્સીના વડાની બીજી ઉચ્ચસ્તરીય કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે ડ્રોન સસ્તો અને સરળતાથી ઉપલબ્ધ હોય તેવા વિકલ્પ છે. તેનાથી ત્રાસવાદી જૂથો પોતાના ઇરાદા પાર પાડી શકે છે. આવા હુમલા તાકીદનું જોખમ છે અને વિશ્વભરની સુરક્ષા એજન્સીઓ સામેનો પડકાર છે.