મિશિગન યુનિવર્સિટીના એક ડોકટરના શારીરિક શોષણનો ભોગ બનેલા સેંકડો વિદ્યાર્થીઓ અને એથ્લીટ્સને 490 મિલિયન ડોલરનું વળતર ચૂકવવામાં આવશે, તેવી જાહેરાત તાજેતરમાં યુનિવર્સિટી અને એટર્ની દ્વારા કરવામાં આવી હતી.
આ અંગે યુનિવર્સિટી ઓફ મિશિગન બોર્ડ ઓફ રીજન્ટ્સના ચેરમેન જોર્ડન એકરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમને એવી આશા છે કે આ સમાધાનથી બચી ગયેલા લોકો હવે રાહત અનુભવશે. રીચાર્ડ એન્ડર્સન એન આરબોરસ્થિત યુનિવર્સિટી ખાતે વર્ષ 1966થી 2003 સુધી ડોકટર તરીકે કાર્યરત હતા, તેમના પર સેંકડો અને વિદ્યાર્થીઓ અને એથ્લીટ્સનું શારીરિક શોષણ કરવાનો આરોપ હતો. વર્ષ 2008માં એન્ડર્સનનું મૃત્યુ થયું હતું.
યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, 460 મિલિયન ડોલર એન્ડર્સનના કૃત્યનો ભોગ બનેલા 1050 જેટલા લોકોમાં વહેંચવામાં આવશે, જેમણે આ બાબતે ફરિયાદ કરી હતી, જ્યારે બાકીના 30 મિલિયન ડોલર ભવિષ્યમાં દાવો કરનારા લોકો માટે અનામત રાખવામાં આવશે.
જોકે, આ સમાધાન માટે હજુ યુનિવર્સિટી ઓફ મિશિગન બોર્ડ ઓફ રીજન્ટ્સની મંજૂરીની જરૂર પડશે. યુનિવર્સિટી અને પીડિતોના એટર્નીએ જણાવ્યું હતું કે, આ સમાધાનને 98 ટકા દાવેદારો અને કોર્ટે સ્વીકાર્યું છે. ગત વર્ષે જાહેર થયેલા વિલ્મરહેલ લો ફર્મના 240 પાનાના રીપોર્ટમાં જણાયું હતું કે, એન્ડર્સને અસંખ્ય પ્રસંગોમાં દર્દીઓ સાથે શારીરિક દુષ્કૃત્ય કર્યું હતું.
આ નોર્ધન અમેરિકન સ્ટેટમાં મિશિગન સ્ટેટ યુનિવર્સિટી બીજી એવી યુનિવર્સિટી છે જ્યાં સ્કૂલના ડોકટર પર શારીરિક શોષણના આક્ષેપથી હલચલ મચી હોય કે તેણે અમેરિકન વિમેન ઓલિમ્પિક્સ જીમ્નાસ્ટિક્સ ટીમનું નિયમિત શારીરિક શોષણ કર્યું હોય.