યુએસ કેપિટોલ પર આ વર્ષે 6 જાન્યુઆરીએ થયેલા જીવલેણ હુમલાની તપાસ કરતી કોંગ્રેસનલ કમિટીએ બુધવારે સરકારી એજન્સીઓ પાસેથી દસ્તાવેજોની પ્રથમ માગણી કરી છે, જેમાં ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના કેટલાક નજીકના સલાહકારો અને પરિવાર સાથે સંકળાયેલા ચર્ચાઓનો સમાવેશ થાય છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝ સિલેક્ટ કમિટીએ 6 જાન્યુઆરી સુધીના વ્હાઇટ હાઉસની ચર્ચાઓના રેકોર્ડની માગણી કરી હતી. આ ઉપરાંત કમિટીએ ડીપાર્ટમેન્ટ્સ ઓફ ડીફેન્સ, હોમલેન્ડ સિક્યુરિટી, ઇન્ટિરીઅર એન્ડ જસ્ટિસ અને એફબીઆઇ નેશનલ કાઉન્ટરટેરરીઝમ સેન્ટર અને ઓફિસ ઓફ ધ ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ પાસેથી પણ વિગતો મેળવવા વ્યાપક વિનંતીઓ કરી છે. કમિટીના ડેમોક્રેટિક ચેરમેન, રીપ્રેઝન્ટેટિવ બેની થોમ્પસને એજન્સીઓને વિગત આપવા માટે 9 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. જેમ તપાસ આગળ વધશે તેમ તેઓ વધારાની વિનંતીઓ કરી શકે છે તેવી અપેક્ષા છે.
થોમ્પસને નેશનલ આર્કાઇવ્ઝ એન્ડ રેકોર્ડ્સ એડમિનિસ્ટ્રેશનને પત્ર લખ્યો છે. જેમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન અને અન્ય સાત સરકારી સંસ્થાઓના રેકોર્ડ્ઝ છે. તેમણે લખ્યું છે કે, ‘આપણું બંધારણ શાંતિપૂર્ણ રીતે સત્તાનું હસ્તાંતરણ કરવાનું જણાવે છે, અને આ તપાસ એ પ્રક્રિયા માટે જોખમોનું મૂલ્યાંકન કરવા, શીખવા મળેલા અનુભવને જાણવા અને ભવિષ્યમાં આપણા પ્રજાસત્તાકને બચાવવા માટે જરૂરી કાયદાઓ, નીતિઓ, પ્રક્રિયાઓ અથવા નિયમોની ભલામણ કરે છે.
કોંગ્રેસ ડેમોક્રેટ જો બાઇડેનને પ્રેસિડેન્ટ ચૂંટણીમાં વિજયનું પ્રમાણપત્ર આપવા માટે બેઠક કરી રહી હતી ત્યારે ટ્રમ્પના સમર્થકોના ટોળાએ કેપિટોલ પર હુમલો કર્યો હતો. અને તત્કાલીન વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સ, કોંગ્રેસના સભ્યો, કર્મચારીઓ અને પત્રકારો તોફાનીઓને જોઇને નાસી ગયા હોવાથી તે પ્રક્રિયા પૂર્ણ કરવામાં કલાકો સુધી વિલંબ થયો હતો. કેપિટલ હુમલાના મામલે અંદાજે 600 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પેનલે કહ્યું કે, તેમણે હુમલાની જ માહિતી અને દિવસની ઘટનાઓ અંગેની વિગતો માગી છે, જેમાં ગુપ્ત માહિતી, સુરક્ષાની તૈયારીઓ અને કેપિટોલના બચાવમાં ભૂમિકા ભજવનાર એજન્સીઓનો સમાવેશ થાય છે. તેમાં 6 જાન્યુઆરીએ સભાની આસપાસની હિંસા માટે આયોજન અને સંબંધિત દસ્તાવેજોની માગણી કરવામાં આવી હતા, જ્યાં ટ્રમ્પે તેમના સમર્થકોને કેપિટોલ તરફ જતા પહેલા ઉશ્કેરણીજનક પ્રવચન આપ્યું હતું. સિલેક્ટ કમિટીએ 3 નવેમ્બર, 2020ની ચૂંટણી અને બાઇડેને પદ સંભાળ્યું તે 20 જાન્યુઆરી, 2021 ની વચ્ચેની કર્મચારીઓના ફેરફારો વિશે માહિતીની પણ વિનંતી કરી હતી. અને ચૂંટણીમાં હાર થઇ હોવા છતાં ટ્રમ્પ દ્વારા પદ પર રહેવાના સંભવિત પ્રયાસો અંગે ડોક્યુમેન્ટ્સ અને ચર્ચાની વિગતો માગી હતી.