જો બાઇડેનની તરફેણમાં મિશિગનના ચૂંટણી પરિણામોને પડકારતા કેસમાં કોર્ટ પરંપરાનો દુરુપયોગ કરવા બદલ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંકળાયેલા નવ વકીલોને નાણાકીય દંડ અને અન્ય પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો છે.
યુએસ ડિસ્ટ્રિક્ટ જજ લિન્ડા પાર્કરે બુધવારે જણાવ્યું હતું કે, જે છેલ્લો કેસ થયો છે તે કોર્ટ અને લોકોને છેતરવાના હેતુ સાથે કરવામાં આવ્યો હતો, અને તે પણ રાજ્યમાં બાઇડેનનો 154,000 મતથી વિજય નક્કી થયા પછી થોડા દિવસો બાદ કરવામાં આવ્યો હતો.
ન્યાયમૂર્તિ પાર્કરે તેમના 110 પાનાના અભિપ્રાયમાં શરૂઆતમાં તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘મૂંઝવણ અને અરાજકતાનો માહોલમાં વકીલે ઇરાદાપૂર્વક કેસને દાખલ કરવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં એક બાબત સ્પષ્ટ છે કે, ફરિયાદીના વકીલોએ તેમના શપથની ઉપેક્ષા કરી છે, નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને સમગ્ર બાબતમાં ન્યાયતંત્રની અખંડતાને નબળી પાડવાનો પ્રયાસ કર્યો છે.’
આ કેસ છ રીપબ્લિકન મતદારો વતી દાખલ કરવામાં આવ્યો હતો, જેઓ ઇચ્છતા હતા કે પાર્કર મિશિગનના પરિણામોને અપ્રમાણિત ઠેરવે અને વોટિંગ મશીનોને જપ્ત કરે. ડિસેમ્બરમાં ન્યાયમૂર્તિએ આ ઇચ્છાને ફગાવી હતી.
સ્ટેટ અને ડેટ્રોઈટે પછીથી પાર્કરને સિડની પોવેલ, એલ લિન વૂડ અને કેસનો હિસ્સો રહેલા અન્ય સાત એટર્ની વિરુદ્ધ સજાનો આદેશ આપવા જણાવ્યું હતું.
રાજ્ય અને શહેરને કેસમાં બચાવના ખર્ચની ગણતરી કરવા અને 14 દિવસમાં આંકડા રજૂ કરવા બાબતે ન્યાયમૂર્તિ સહમત થયા હતા.
પાર્કરે જણાવ્યું હતું કે, ટ્રમ્પ સમર્થકોના વકીલોએ દાવાઓને સમર્થન આપવા માટે પુરાવાઓની તપાસ કર્યા વગર મત ગણતરીની પ્રક્રિયા અંગે અસ્પષ્ટ ‘અટકળો અને અનુમાન’ દર્શાવતા સોગંદનામા રજૂ કર્યા હતા.
ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે, ‘વ્યક્તિઓને ચોક્કસ મર્યાદામાં કાયદા અથવા હકીકત દ્વારા અસમર્થિત છેતરપિંડીના આરોપોને જાહેર ક્ષેત્રમાં ફેલાવવાનો અધિકાર હોય શકે છે. પરંતુ વકીલો આવું કરવા માટે પોતાના વિશેષાધિકાર અને ન્યાયિક પ્રક્રિયા મેળવવાનો લાભ લઇ શકે નહીં.
પાર્કરે દરેક વકીલ માટે ચૂંટણી કાયદામાં છ કલાક સહિત 12 કલાકના કાયદાના શિક્ષણનો આદેશ આપ્યો. તેમનો નિર્ણય એવા રાજ્યોમાં પણ મોકલાશે જ્યાં વકીલો પાસે સંભવિત શિસ્તની કાર્યવાહી માટે લાઇસન્સ છે.