અમેરિકાની ઉચ્ચ કક્ષાની હેલ્થ એજન્સીએ ગુરુવારે જણાવ્યું હતું કે, તે કોવિડ-19 સામે રક્ષણ માટે સંપૂર્ણ રસી લેનારા લોકો માટે માસ્ક પહેરવા સંબંધિત સૂચનાઓ પરત લઇ રહી છે. પ્રેસિડેન્ટ જો બાઇડેને આ ક્ષણને મહત્ત્વની ગણાવીને લાંબા સમયથી ચાલી રહેલી મહામારી સામેની લડતમાં એક મહાન દિવસ તરીકે તેને ગણાવ્યો છે.
આ જાહેરાત સેન્ટર્સ ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (સીડીસી)એ વાઇરસને ફેલાતો અટકાવવા માટે લોકોને તેમના ચહેરા ઢાંકવા વિનંતી કરી હતી તેના એક વર્ષ કરતા વધુ સમય પછી નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે.
સીડીસીના ડાયરેક્ટર રોશેલ વોલેન્સ્કીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘ જે લોકોએ સંપૂર્ણ રસી લઇ લીધી છે તેઓ માસ્ક પહેર્યા વગર અથવા સોશિયલ ડિસ્ટન્સિંગ રાખ્યા વગર ઘરમાં અથવા બહાર નાની-મોટી પ્રવૃત્તિઓમાં ભાગ લઇ શકે છે. જો તમે સંપૂર્ણ રસી લઇ લીધી હોય તો તમે પ્રવૃત્તિઓ કરી શકો છો, જે મહામારીને કારણે બંધ કર્યું હતું.’
વ્હાઇટ હાઉસમાંથી એક લાગણીમય સંબોધનમાં, બાઇડેને વાઇરસ સામેની લડતમાં મોટા વિજયની જાહેરાત કરી હતી, જેમાં 580,000થી વધુ અમેરિકનો મૃત્યુ થયા છે. તેમણે કહ્યું, ‘હું માનું છું કે આ એક મોટું સીમાચિહ્ન છે, એક મહાન દિવસ છે.’
એડમિનિસ્ટ્રેશનના આ પગલાને મિશ્ર પ્રસિસાદ મળ્યો છે. કેટલાક લોકોમાં ખુશી વ્યાપી છે તો કેટલાકે કહ્યું કે તેઓ સાવચેતી માટે માસ્ક પહેરશે.
ફ્લોરિડાથી વોશિંગ્ટન આવેલા 57 વર્ષીય પ્રવાસી મુબારક દાહિરે જણાવ્યું હતું કે, હું હજુ પણ અંદર માસ્ક પહેરીશ, હું માનું છું કે, આ એક અપરિપક્વ નિર્ણય છે અને આપણે હવે વાઇરસથી દૂર છીએ તે થોડું જોખમી છે. પરંતુ લાફાયેટ સ્ક્વેરમાં 67 વર્ષીય ડેસમન્ડે જણાવ્યું હતું કે, આ ખૂબ જ સારા સમાચાર છે, આપણે 14 મહિનાના લાંબા સમય પછી આ સ્થિતિ જોઇ છે.
માહિતીનું પૃથક્કરણ કરતા જાણવા મળ્યું છે કે, અધિકૃત રસી ખૂબ જ ઉચ્ચ પ્રકારની અસરકારકતા દર્શાવે છે, તે ફક્ત લક્ષણો ધરાવતા કોવિડ-19 ને રોકવા માટે જ નહીં, પણ એસિમ્પટમેટિક સંક્રમણને અને ચેપને આગળ ફેલાતો અટકાવે છે.
અમેરિકામાં અંદાજે 60 ટકા પુખ્ત વયના લોકોએ હવે એક અથવા વધુ ડોઝ લીધા છે, જ્યારે કોરોનાના કેસ ઝડપથી ઘટી રહ્યા છે, જે સાત દિવસની સરેરાશમાં 38 હજાર છે અથવા એક લાખ દીઠ 11 જ છે.
અને ગુરુવારે, 12થી 15 વર્ષની વયના કિશોરોને રસી આપવાનું કેમ્પેઇન શરૂ થયું છે, આ વય જૂથમાં ફાઇઝરની રસીને અધિકૃત કર્યા પછી લોકોમાં તે મેળવવાની ઉત્સુકતાથી વધી છે.
સીડીસીની વેબસાઇટ પર જણાવ્યા મુજબ અમેરિકાની અંદર અથવા બહારની મુસાફરી વખતે વિમાન, બસ, ટ્રેન અને એરપોર્ટ્સ તેમ જ સ્ટેશન્સમાં હજુ પણ માસ્ક પહેરવું જરૂરી રહેશે.
સત્તાવાર આંકડાનું પૃથ્થકરણ કરતા જણાયું હતું કે, વર્ષ 2019ના અંતમાં વાઇરસ પ્રથમ વખત ફેલાવાનું શરૂ થયું ત્યારથી આ વૈશ્વિક મહામારીમાં ઓછામાં ઓછા 33, 33,603 લોકોના મૃત્યુ પામ્યા છે.