અમેરિકામાં વસતા ભારતીય મૂળના હજારો ઇન્ફર્મેશન ટેકનોલોજી પ્રોફેશનલ્સની મુશ્કેલી વધે તેવી સંભાવના છે. જો ૩૦ સપ્ટેમ્બર પહેલાં એક લાખ ગ્રીનકાર્ડ્સને રીન્યૂ કરવાની કાર્યવાહી નહીં થાય તો તેના રદ્ થવાની શક્યતા છે. આથી મોટી સંખ્યામાં વિદેશી નાગરિકોની મુશ્કેલીમાં વધારો થશે તેવું માનવામાં આવે છે.
રોજગાર આધારિત અપાયેલા એક લાખ ગ્રીન કાર્ડ્સની કાર્યવાહી અટકશે તો અમેરિકામાં વિદેશીઓના પરર્મેનન્ટ રેસીડેન્સનું વેઈટિંગ દસેક વર્ષ સુધી લંબાશ તેવી આશંકા છે. ગ્રીન કાર્ડને સત્તાવાર રીતે પરમેનન્ટ રેસિડેન્ટ કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. વર્તમાન વર્ષે રોજગાર આધારિત 2,61,000 વિઝાને મંજૂરી આપવામાં આવી હતી, સામાન્ય રીતે આ ક્વોટા 1,40,000નો છે. જો આ વિઝા ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ઈશ્યુ નહીં કરવામાં આવે તો તે રદ્ થશે.
આ અંગે ભારત અને ચીનના ૧૨૫ આઈટી પ્રોફેશનલ્સે મળીને અમેરિકાની કોર્ટમાં અરજી કરી છે. કારણ કે અમેરિકન ઈમિગ્રેશન સર્વિસે જ એક લાખ કરતા વધુ ગ્રીનકાર્ડ્સ રદ્ થાય તેવા સંકેતો આપ્યા હતા. ભારતીય આઈટી નિષ્ણાતોનો આક્ષેપ હતો કે આ સ્થિતિ માટે બાઈડેન એડમિનિસ્ટ્રેસન જવાબદાર છે. તેમણે આ મુદ્દે અત્યાર સુધીમાં કોઈ જ પગલાં ભર્યા ન હોવાથી આ મુશ્કેલી ઊભી થઇ છે. જોકે, આ મુદ્દે વ્હાઈટ હાઉસે કોઇ પ્રતિભાવ આપ્યો નથી.