ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમના ભારત પ્રવાસમાં આ સપ્તાહથી ત્રણ ટી-20 અને પછી બે ટેસ્ટ મેચની સીરીઝ રમાવાની છે અને તે માટેની ભારતીય ટીમમાં ધરકમ ફેરફારો કરાયા છે.

આ સપ્તાહે શરૂ થતી ટી-20 સીરીઝ માટે રોહિત શર્માને સુકાનીપદ સોંપાયું છે, કારણ કે ટી-20માં કોહલીએ સુકાનીપદ છોડી દીધું છે. કોહલી આ ટી-20 સીરીઝમાં ખેલાડી તરીકે પણ રમવાનો નથી અને તે ઉપરાંત પ્રથમ ટેસ્ટ મેચમાં પણ તે આરામ લેવાનો છે, તેથી તે સીધી બીજી અને છેલ્લી ટેસ્ટ મેચમાં સુકાની અને ખેલાડી તરીકે રમશે. ટી-20 સીરીઝમાં લોકેશ રાહુલને ઉપસુકાની બનાવાયો છે. કોહલી ઉપરાંત રવિન્દ્ર જાડેજા તથા જસપ્રીત બુમરાહને આરામ અપાયો છે, જ્યારે હાર્દિક પંડ્યા, રાહુલ ચાહરને પડતા મુકાયા છે.

વેંકટેશ ઐયર, ઋતુરાજ ગાયકવાડ તેમજ હર્ષલ પટેલ જેવા આઈપીએલના સ્ટાર્સને તક અપાઈ છે. યુઝવેન્દ્ર ચહલને તથા શ્રેયસ ઐયરની વાપસી થઈ છે.

જયપુરમાં ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ૧૭મી નવેમ્બર ને બુધવારે ત્રણ ટી-૨૦ની શ્રેણીની પ્રથમ મેચ રમાશે. આ પછી ૧૯મી નવેમ્બરે રાંચીમાં અને ૨૧મી નવેમ્બરે કોલકાતામાં બીજી અને ત્રીજી ટી-૨૦ રમાશે.

ટી-20 સીરીઝની ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ (વાઈસ કેપ્ટન), ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર, રિષભ પંત (વિ.કી.), ઈશાન કિશન (વિ.કી.), વેંકટેશ ઐયર, યઝવેન્દ્ર ચહલ, આર.અશ્વિન, અક્ષર પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ.

 

પ્રથમ ટેસ્ટ પુજારા વાઈસ કેપ્ટનઃ

પસંદગીકારોએ રોહિત શર્માને ન્યૂઝિલેન્ડ સામેની બે ટેસ્ટની સીરીઝમાં આરામ આપ્યો છે. પ્રથમ ટેસ્ટમાં કોહલી નહીં રમવાનો હોવાથી અજિંક્ય રહાણે સુકાની રહેશે. જ્યારે બીજી ટેસ્ટમાં કોહલી કેપ્ટન તરીકે પાછો ફરશે. પ્રથમ ટેસ્ટમાં ચેતેશ્વર પુજારાને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપાઈ છે. ટીમમાં કે. એલ. રાહુલ, મયંક અગ્રવાલ અને શુભમન ગિલને ઓપનર્સ તરીકે સામેલ કરાયા છે. રોહિત ધવન, હનુમા વિહારી પડતા મૂકાયા છે. ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે તારીખ ૨૫મી નવેમ્બરથી શ્રેણીની પ્રથમ ટેસ્ટ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. જ્યારે બીજી ટેસ્ટનો પ્રારંભ ૩ ડિસેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થશે.

ભારતીય ટેસ્ટ ટીમ

અજિંક્ય રહાણે (કેપ્ટન), ચેતેશ્વર પુજારા (વાઈસ કેપ્ટન), કે. એલ. રાહુલ, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, રિદ્ધિમાન સહા (વિ.કી.),  ભરત (વિ.કી.), રવિન્દ્ર જાડેજા, રવિચન્દ્રન અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિશ્ના.