કોરોના વાઈરસ સામેની વૈશ્વિક લડતમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સુધર્યા હોવા છતાં રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમ ખરીદવાના સોદામાં અમેરિકાના અવરોધો યથાવત્ છે. અમેરિકાની ધમકીઓ વચ્ચે પણ ભારતે રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમ ખરીદવાના પાંચ બિલિયન ડોલરના સોદામાં આગળ વધવાનું નક્કી કર્યું છે ત્યારે અમેરિકાએ ફરીથી ભારત વિરુદ્ધ પ્રતિબંધો મૂકવાની ધમકી આપી છે.
દક્ષિણ એશિયા અને મધ્ય એશિયા માટે અમેરિકન વિદેશ વિભાગના ટોચના અધિકારી એલિસ વેલ્સે વોશિંગ્ટન સ્થિત થિંક ટેન્કને જણાવ્યું કે રશિયા પાસેથી એસ-૪૦૦ સિસ્ટમની ખરીદી બદલ ભારત પર પ્રતિબંધોની શક્યતા હજી પણ યથાવત્ છે. અમારી પોલિસીમાં કાટસા પ્રાથમિક્તા પર છે. અમે રશિયાને લશ્કરી હથિયારો વેચીને કમાણી કરવા દઈ શકીએ નહીં, કારણ કે રશિયા આ નાંણાંનો ઉપયોગ તેના પડોશી દેશો વિરુદ્ધ કરશે.
ભારતે ઓક્ટોબર ૨૦૧૮માં રશિયા પાસેથી પાંચ એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમ ખરીદવા માટે પાંચ બિલિયન ડોલરનો સોદો કર્યો હતો. આ સોદા સામે અમેરિકાએ ભારતને ચેતવણી આપી હતી. અમેરિકાએ કહ્યું હતું કે ભારત આ સોદામાં આગળ વધશે તો તેના વિરુદ્ધ કાઉન્ટરિંગ અમેરિકાસ એડવર્સરીઝ થૂ્ર સેન્ક્શન્સ એક્ટ (સીએએટીએસએ – કાટસા) હેઠળ પ્રતિબંધો મૂકાવામાં આવી શકે છે. અમેરિકાની આ ધમકી છતાં ભારત આ સોદામાં આગળ વધ્યું હતું. ગયા વર્ષે ભારતે આ મિસાઈલ સિસ્ટમ માટે રશિયાને પહેલા હપ્તા પેટે લગભગ ૮૦ કરોડ યુએસ ડોલરની ચૂકવણી કરી હતી. એસ-૪૦૦ રશિયાની સૌથી આધુનિક લાંબા અંતરની જમીન પરથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે.