અમેરિકામાં વસતી ગણતરીના આંકડાં જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમવાર શ્વેત નાગરિકોની વસતી ઘટી છે. શ્વેત નાગરિકોની વસતી ૨૦૧૦માં ૧૯.૬ કરોડ હતી, એ ઘટીને ૨૦૨૦માં ૧૯.૧ કરોડ થઈ ગઈ છે. એશિયન નાગરિકોની વસતીમાં વધારો થયો છે.
અમેરિકા દર ૧૦ વર્ષે વસતી ગણતરી કરીને આંકડાં જાહેર કરે છે. ૨૦૧૦માં છેલ્લી વસતી ગણતરી થઈ હતી. એ પછી ૨૦૨૦માં થયેલી વસતી ગણતરીના આંકડાં જાહેર થયા છે. એ આંકડાં પ્રમાણે અમેરિકાના ઈતિહાસમાં પ્રથમવાર શ્વેત નાગરિકોની વસતી ઘટી છે અને શ્વેત-અશ્વેત મિશ્ર જાતિની વસતી વધી છે.
૨૦૧૦માં શ્વેત નાગરિકોની વસતી અમેરિકામાં ૧૯.૬ કરોડ હતી. ૨૦૨૦માં ૧૯.૧ કરોડ થઈ ગઈ છે. મિશ્ર જાતિના લોકો ૨૦૧૦માં ૯૦ લાખ હતા. એની વસતી હવે વધીને ૩.૩૮ લાખ થઈ ગઈ છે. શ્વેત નાગરિકોની વસતી ઘટાડાનું એક કારણ એ પણ ખરું કે શ્વેત-અશ્વેત મિશ્ર જાતિના લોકો શ્વેતમાં ગણાતા ન હોવાથી વસતી ઘટી છે. અશ્વેત નાગરિકોની વસતી ૪.૬૯ કરોડમાંથી ૪.૯૯ કરોડ થઈ ગઈ છે.
અમેરિકામાં શ્વેત, અશ્વેત, અમેરિકન ઈન્ડિયન, નેટિવ અમેરિકન, એશિયન, હવાઈયન, પેસિફિક આઈસલેન્ડર એમ અલગ અલગ વિભાગો પાડીને વસતી ગણતરી થઈ હતી. એમાં જણાયું હતું કે એશિયન નાગરિકોની વસતી પણ વધી છે. એશિયન નાગરિકો ૨૦૧૦માં ૧.૮૬ કરોડ હતા. એ વધીને એક દશકામાં ૨.૪ કરોડ થયા છે.
વસતી ગણતરીના આંકડાના વિશ્લેષણમાં જણાયું હતું કે શહેરી વિસ્તારોની વસતિમાં વધારો થયો છે, જ્યારે ગ્રામ્ય વસતીમાં ઘટાડો થયો છે. શહેરમાં સરેરાશ ૧૦ ટકાના દરે વસતી વધી હતી.
બાળકોની વસતીમાં પણ ઘટાડો થયો છે. જન્મદર ઘટતા અમેરિકામાં ૧૮ વર્ષથી નીચેની વયજૂથના હવે ૭.૪૨ કરોડને બદલે ૭.૩૧ કરોડ લોકો નોંધાયા છે. બાળકોનો જન્મદર અમેરિકામાં ૧.૪ ટકા ઘટયો છે. કુલ વસતીમાં ૧૮ વર્ષથી નીચેના બાળકોની વસતી ૨૨ ટકા છે.