ભારતમાંથી વધુ ચાર જગ્યાઓને રામસરના સચિવાલય દ્વારા રામસર સ્થળોમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતમાંથી થોળ અને અને વઢવાણ જ્યારે હરિયાણામાંથી સુલતાનપુર અને ભીંડવાસ છે. આ અંગે ટ્વીટ સંદેશા દ્વારા માહિતી આપતા કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભૂપેન્દર યાદવે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર્યાવરણ અંગે વિશેષરૂપે ચિંતિત હોવાથી એકંદરે ભારતમાં જળ સંતૃપ્ત જમીન (વેટલેન્ડ)ની કાળજી લેવામાં સુધારો જોવા મળ્યો છે.
આ ચાર સ્થળોના ઉમેરા સાથે ભારતમાં કુલ 46 રામસર સ્થળો થઇ ગયા છે અને તે અંતર્ગત કુલ 1,083,322 હેક્ટર જમીન વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. હરિયાણામાં પ્રથમ વખત જ કોઇ સ્થળને રામસર જગ્યામાં સમાવવામાં આવ્યું છે જ્યારે ગુજરાતમાં નળ સરોવરને 2012માં રામસર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યા પછી વધુ ત્રણ જગ્યાને આમાં સમાવી લેવામાં આવી છે. રામસર યાદીનો મૂળ ઉદ્દેશ “આંતરરાષ્ટ્રીય જળ સંતૃપ્ત જમીનના નેટવર્કને વિકસાવવાનો અને જાળવવાનો છે જે વૈશ્વિક જૈવિક વિવિધતાના સંરક્ષણ માટે અને તેની ઇકોસિસ્ટમના ઘટકો, પ્રક્રિયાઓ અને લાભોની જાળવણી દ્વારા ટકાઉક્ષમ માનવજીવન માટે ઘણું મહત્વ ધરાવે છે.”
જળ સંતૃપ્ત જમીનો ભોજન, પાણી, રેસા, ભૂગર્ભજળ રિચાર્જ, પાણીનું શુદ્ધિકરણ, ખાદ્ય આધુનિકીકરણ, જમીનના ધોવાણમાં નિયંત્રણ અને આબોહવા નિયમન સહિત વ્યાપક શ્રેણીમાં મહત્વપૂર્ણ સંસાધનો અને ઇકોસિસ્ટમ સેવાઓ પ્રદાન કરે છે. હકીકતમાં તે, પાણી માટે એક મોટો સ્રોત છે અને આપણો તાજા પાણીનો મુખ્ય પુરવઠો સંખ્યાબંધ જળ સંતૃપ્ત જમીનોમાંથી આવે છે. જે વરસાદી પાણીને શોષવામાં અને ભૂગર્ભજળને રિચાર્જ કરવામાં મદદ કરે છે.
ગુજરાતમાં આવેલું થોળ તળાવ વન્યજીવ અભ્યારણ્ય એશિયન ફ્લાઇવેમાંથી એક છે અને 320 કરતાં વધારે પ્રજાતિઓ અહીં મળી આવે છે. આ જળ સંતૃપ્ત ભૂમિ 30 કરતાં વધારે લુપ્ત થવાનું જોખમ ધરાવતી જળાશયોની પ્રજાતિઓને સમર્થન આપે છે જેમાં અત્યંત જોખમી સ્થિતિમાં રહેલા સફેદ પીંછા વાળા ગીધ અને મિલનસાર લેવપીંગ તેમજ લુપ્ત થવાના આરે રહેલા સારસ, સામાન્ય પોચર્ડ (બતક) અને કલહંસ (ઓછા સફેદ ફ્રન્ટેન્ડ બતક) સામેલ છે.
વઢવાણમાં આવેલી જળ સંતૃપ્ત ભૂમિ તેના પક્ષી જીવન માટે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવે છે કારણ કે, તે જળાશયોના યાયાવર પક્ષીઓ માટે શિયાળામાં આશ્રય સ્થાન છે જેમાં મધ્ય એશિયન ફ્લાઇવેમાંથી આવતા 80થી વધારે પ્રજાતિના પક્ષીઓ છે. તેમાં કેટલાક લુપ્ત થવાની નજીકમાં હોય અથવા અત્યંત લુપ્ત થવાનું જોખમ હોય તેવા પક્ષીઓ જેમકે પલ્લાસના ફીશ ઇગલ, જોખમી સ્થિતિમાં રહેલા સામાન્ય પોચર્ડ (બતક) અને લુપ્તપ્રાપ્ય ડાલ્મેટિયન પેલિકન, ભૂખરા માથા વાળા ફીશ ઇગલ અને ફેરગિનસ બતક સામેલ છે.