કોરોના વાઈરસ… નામ હી કાફી હૈ ડરાને કે લિએ. આખી દુનિયાને ઉચ્ચક જીવે ઘરબંધ કરી દેનારા રોગચાળા વિશે તબીબી, લશ્કરી કે જીવશાસ્ત્ર નિષ્ણાતોને જરાય અણસાર ન આવ્યો પણ એક ફિલ્મ અને એક વેબસિરીઝમાં કોરોના વાઈરસનો અવગણી ન શકાય એવો સ્પષ્ટ ઉલ્લેખ હોવાની મરચામીઠું ભભરાવેલ ચર્ચા સોશિયલ મીડિયા પર જોશભેર ચાલી રહી છે.
સોશિયલ મીડિયા પર જાપાનીઝ ફિલ્મ ‘માય સિક્રેટ ટેરિયસ’ની ક્લિપ વાઈરલ થઈ છે. હકિકતમાં આ જાપાની ફિલ્મ નથી. સાઉથ કોરિયન સીરિઝ છે આઠ એપિસોડની. ‘માય સિક્રેટ ટેરિયસ’ ઓટીરી પ્લેટફોર્મ પર ૨૦૧૮ની ૨૭મી સપ્ટેમ્બરથી ૧૫મી નવેમ્બરે અઠવાડિયામાં બે વખત પ્રસારિત થઈ હતી. સીરિઝની પહેલી સિઝનના દસમાં એપિસોડમાં ૫૩મી મિનિટ બાદ કોરોના વાઈરસનો સ્પષ્ટ ઉલ્લેખ શરૂ થાય છે. આ સીરિઝમાં ઘણાં ઉલ્લેખ અને વર્ણન હાલના કોરોના વાઈરસને મળતા આવે છે.
આ સીરિઝના વાઈરસના ઉલ્લેખવાળી ક્લિપે ટ્વિટર પર વાઈરલ થયા બાદ અન્ય સોશિયલ મીડિયા પર ફરી રહી છે. આ સીરિઝને નેટફ્લિક્સ પરથી હટાવી લેવાયાની ચર્ચા છે, પણ એવી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. આની સાથોસાથ નેટફ્લિક્સ પર સર્ચ કરવા છતાં આ સીરિઝ મળતી નથી એ પણ હકિકત છે. ‘માય સિક્રેટ ટેરિયસ’ (અર્થાત્ ‘મારું ગુપ્ત પ્રજારાજ’) સાથે એક ભયનીય ફિલ્મનો સીન પણ વાઈરલ થયો છે. આ સીનમાં સ્પષ્ટપણે ચીન દ્વારા ભારત સામે બાયોલોજિકલ વૉરના કાવતરાની ચર્ચા છે. એક શ્ર્વાન થકી વાઈરસ ફેલાવીને ચીન ભારતમાં ત્રીસ લાખ માણસો મરી ગયા બાદ પોતાની બધી શરતો મનાવીને આ વાઈરસના ઈલાજની રસી ભારતને આપે એવું કાવતરું રચાયું હતું.
આ ફિલ્મનો માત્ર એક સીન સોશિયલ મીડિયા પર ફરે છે. એ સીન જોઈને સમજાઈ જાય કે આ સાઉથ ઈન્ડિયાની કોઈ હિન્દીમાં ડબ કરાયેલી ફિલ્મ છે. ચેન્નાઈ, બેંગલુરુ અને થિરૂવઅનંતપુરમ ઉપરાંત કેટલાંક ફિલ્મ ઈતિહાસકારને ફોન કર્યા બાદ આ ફિલ્મની સાચી અને પૂરી માહિતી મળી.
આ તમિળ ફિલ્મ છે ૨૦૧૧ની ‘ઋફીળ અશિદી’ એટલે ‘સાતમી ઈન્દ્રિય’. દક્ષિણના નામાંકિત સર્જક અને બૉલિવૂડને ૧૦૦ કરોડ ક્લબની પહેલી ફિલ્મ ‘ગજની’ આપનારા આર. મુરગોદાસ દિગ્દર્શિત-લિખિત આ હિટની વાર્તા રસપ્રદ છે.
પલ્લવા રાજવંશના મહાન રાજાના પુત્ર બોધિધર્મા (સાઉથના સુપરસ્ટાર સૂર્યા) માર્શલ આર્ટસનો માસ્ટર અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિના નિષ્ણાત છે. ચીનમાં ફેલાયેલા રોગચાળો ભારત સુધી ન પ્રસરે એટલે બોધિધર્માને એના ગુરુ ચીન મોલકે છે. આરંભમાં તો ચીનાઓ એનો ઉતરતો-નકામો ગણીને ધૂત્કારે છે. પરંતુ પોતાની સારવારથી એક બાળકીનો જીવ બચાવ્યા બાદ બોધિધર્માના માનપાન વધી જાય છે. પરંતુ લાંબા સમય બાદ એ ભારત પાછા ફરવાની વાત કરે છે. ત્યારે એ સ્વેચ્છાએ એક મંદિરમાં જીવતેજીવ દફન થવાનું સ્વીકારી લે છે.
પછી સ્ક્રિનપ્લે આધુનિક સમયમાં પહોંચે છે, ત્યારે ડોંગ લી નમના માણસને ચીન સરકાર દ્વારા ભારતમાં બાયોલોજિકલ વૉર આદરવાની કામગીરી સોંપાય છે. ચીનમાં સદીઓ પહેલાં ફેલાયેલા રોગના વાઈરસ એક શ્ર્વાનને ઈન્જેક્ટ કરીને રોગચાળાનો આરંભ કરાય છે. આ કપરા સમ.માં જેનેટિકસ રિસર્ચર વિદ્યાર્થિની શુભા (શ્રુતિ હાસન) સંશોધનથી શોધી કાઢે છે કે બોધિધર્માને ભારત લાવીને પાછો જીવંત કરીને રોગચાળાને નાથી શકાય. અહિં એન્ટ્રી થાય છે સર્કસમાં કામ કરતા અરવિંદની હા, સૂર્યાનો ડબલ રોલ. ચીનના આ ‘ઓપરેશન રેડ’ને કંઈ રીતે બન્ને નિષ્ફળ બનાવે છે એ ૮૦ કરોડના ખર્ચે બનેલી ફિલ્મમાં દર્શાવાયું છે.
આ તમિળ ફિલ્મે ૯૦થી ૧૦૦ કરોડનો ધંધો કર્યો હતો. ૨૦૧૧ની ૨૫મી ઑક્ટોબરે તમિળ ફિલ્મ રીલિઝ થયા બાદ એને હિન્દીમં ‘ચાઈના વર્સિસ ચેન્નાઈ’ના નામે ડબ કરાઈ હતી. મલયાલમ અને તેલુગુમાં પણ ડબ થયેલી આ ફિલ્મને સાઉથ ઈન્ડિયન ફિલ્મ ચેમ્બર ઑફ કોમર્સે બેસ્ટ ફોેરેન લેંગ્વેજ ફિલ્મના ઑસ્કાર એવૉર્ડ માટે મોકલવા પસંદ કરી હતી, પણ કોઈ એવૉર્ડ નહોતો મળ્યો. આ ફિલ્મ અને વેબ સિરીઝ ઉપરાંત કેટલીક અંગ્રેજી નવલકથામાંય ચીનના બાયોલોજિકલ વૉર અને કોરોના વાઈરસના ઉલ્લેખ આવી ચૂક્યા છે. આવા લેખક-સર્જકની કલ્પનાશક્તિને દાદ આપ્યા વગર રહી શકાય ખરું?