અમેરિકામાં કોરોનાનો મૃત્યુઆંક 90,000 તથા કોરોનાનાં કેસોનો આંકડો 1.5 મિલિયનને પાર થયો છે ત્યારે પ્રમુખ ટ્રમ્પ લોકડાઉન ખોલવાના મૂડમાં છે. કોરોનાની રસી મળે કે ના મળે પરંતુ હવે અર્થતંત્રની ગાડી પુનઃ પાટા ઉપર ચઢાવવા ટ્રમ્પે મથામણ આરંભી છે ત્યારે વ્હઇટ હાઉસે કોરોના મહામારીની મોટી જાનહાનિના દોષનો ટોપલો પોતાના વૈજ્ઞાનિકોના માથે ઢોળવા પ્રયાસ કર્યો છે. યુએસ સેન્ટર્સ ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેશન્સન ટેસ્ટીંગ મામલે ઉણું ઉતર્યું હોવાના મુદ્દે ટ્રમ્પ વહીવટીતંત્રના સભ્યો અસંમત થયા હતા.
અમેરિકાની હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસ સામે ટેસ્ટીંગ મામલે ટીકાનો મારો થવા છતાં ટ્રમ્પે આ સેવાને વિશ્વમાં શ્રેષ્ઠ ગણાવી છે. હેલ્થ સેવાના સેક્રેટરી એલેક્સ અઝરે મહત્વની આરોગ્ય ભૂમિકા અંગે એજન્સીનો બચાવ કર્યો હતો.
દરમિયાનમાં ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવારોએ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસની ટીકા કરતાં જણાવ્યું હતું કે, સીડીસીએ ટેસ્ટીંગ મામલે દેશને નીચું જોવરાવ્યું છે. વ્હાઇટ હાઉસ અને સેન્ટર્સ ફોર ડીસીઝ કંટ્રોલ વચ્ચે લોકડાઉન પુનઃ ખોલવાના મામલે તંગદિલી ચરમસીમાએ હોવાનું કહેવાય છે. લીક થયેલા દસ્તાવેજો ટાંકીને યુએસ મીડિયાના જણાવ્યાનુસાર સીડીસીએ લોકડાઉન પુનઃ ખોલવાની આકરી માર્ગદર્શિકા સૂચવતા 68 પાનાનો મુસદ્દો બનાવ્યો હતો. પરંતુ માત્ર છ પાના જ પ્રકાશિત કરાવ્યા હતા. સીડીસીના ડાયરેક્ટર રોબર્ટ રેડફિલ્ડે ગત સપ્તાહે જણાવ્યું હતું કે, પહેલી જૂન સુધીમાં એક લાખ મૃત્યુઆંકના માર્ગે અમેરિકા આગળ વધી રહ્યું છે.
હેલ્થ સેક્રેટરી અઝરે કોરોના મહામારી અંગે ચીનનું નામ લીધા વિના આક્ષેપ મૂક્યો હતો કે “હુ”ના એક સભ્ય દેશે પારદર્શિતા જાળવણીની મજાક ઉડાવતા સમગ્ર વિશ્વને તેની અસામાન્ય કિંમત ચૂકવવી પડી રહી છે. અઝરે કોરોના મહામારી મામલે વિશ્વને જરૂરી માહિતી પૂરી પાડવામાં “હુ”ની નિષ્ફળતાની ટીકા કરી હતી. અઝરે વધુ અસરકારક વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ)ની માંગ કરી હતી.
50 આફ્રિકન દેશો અને તમામ યુરોપિયન દેશો સહિત 100થી વધારે દેશોએ કોરોના મહામારી મામલે સ્વતંત્ર તપાસની માંગણી કરી છે. “હુ”એ પણ બનતી ત્વરાએ સ્વતંત્ર તપાસની વાત કરી હતી.
દરમિયાનમાં ચોમેરથી ઘેરાયેલા ચીને આગામી બે વર્ષ સુધી કોવિડ-19 મામલે સંબંધિત કામગીરી પાર પાડવા 2 બિલિયન ડોલર આપવાની પ્રતિબબ્ધતા દર્શાવી છે. અમેરિકામાં અર્થતંત્ર પુનઃ ખોલવાના મામલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેકશીયસ ડીસીઝના વડા ફૌસીએ ચેતવણી આપી છે કે, લોકડાઉન ઉઠાવવાનું કસમયનું નીવડે, કોરોનાનો ફેલાવો વધારી શકે તેમ છે.
પ્રમુખ ટ્રમ્પે ફૌસીની ચેતવણી ફગાવતાં જણાવ્યું હતું કે, કોરોનાની રસી શોધાય કે ના શોધાય અમેરિકા ફરીથી ધમધમતું થશે. નિષ્ણાતોએ 12થી 18 મહિના રસી સંશોધન અને ટેસ્ટની આપેલી મુદતના સંદર્ભમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, હું લોકોને રસી ઉપર નિર્ભર રહેવા દેવા માંગતો નથી. રસી શોધાય કે ના શોધાય અમેરિકા અર્થતંત્રને પુનઃ ધમધમતું કરવાના માર્ગે છે. વર્ષના અંત પૂર્વે શાળાઓ ફરીથી શરૂ થાય તે તેમને (ટ્રમ્પ) ગમશે.
અમેરિકાનાં મોટા ભાગનાં રાજ્યો ગયા મહિનાથી અંશતઃ ખુલી ગયા છે. આ પૈકી ટેક્સાસમાં 1801 નવા કેસો નોંધાતા ટેક્સાસમાં કોરોનાના 46999 કેસો થયા છે. અમેરિકાના 50 રાજ્યો લોકડાઉન ઉઠાવી ચૂક્યા છે. તેમાંથીમાત્ર 13 રાજ્યો જ ફેડરલ ગાઇડ લાઇનને અનુસરી રહ્યા છે.
પ્રમુખ ટ્રમ્પે કોરોનાની રસી વર્ષના અંત સુધીમાં શોધવાના લકક્ષ્યાંક સાથે રસી પ્રોજેક્ટને “ઓપરેશન રેપ સ્પીડ” નામ આપીને આ પ્રોજેક્ટને વિશ્વના પ્રથમ પરમાણુ શસ્ત્રની શોધ માટે બીજા વિશ્વયુદ્ધ વખતે થયેલા બે પ્રયાસોની સાથે સરખાવ્યો હતો. જોકે, નિષ્ણાતો વાઇરસ રસીને એક વર્ષમાં શોધ અંગે શંકા દર્શાવી છે. પ્રમુખ ટ્રમ્પે ઓપરેશન રેપ સ્પીડ માટે ગ્લેક્સો સ્મિથ ક્લાઇનના મોન્સેફ સ્લાઉઇ તથા યુએસ આર્મીના જનરલ ગુસ્તેવ પેર્નાને જવાબદારી સોંપી છે. મોન્સેફ સ્લાઉએ વર્ષના અંત સુધીમાં રસીના થોડા સેંકડો મિલિયન ડોઝ પુરા પાડવાનો વિશ્વાસ દર્શાવ્યો હતો. ત્યારે નિષ્ણાતો એક વર્ષમાં રસી ઉપલબ્ધિ અંગે શંકા દર્શાવી હતી.
ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પત્રકારોને સંબોધી રહ્યા હતા ત્યારે વ્હાઇટ હાઉસની બહાર પાર્ક કરાયેલી લોરીઓના ડ્રાઇવરો નીચા વેતનના મુદ્દે હોર્ન વગાડીને વિરોધ કરતા હતા. ટ્રમ્પે આ ટ્રકરોને મિત્રો ગણાવીને જણાવ્યું હતું કે, આ લોકો ઉજવણી કરી રહ્યા છે.