કોરોના મહામારીને કારણે અમેરિકામાં કંપનીઓએ વધુ નોકરીઓ પર કાપ મુકતા અને મોટાભાગના રાજ્યોએ વેપારધંધા ફરી શરૂ કરવા પર આકરાં નિયંત્રણો લાદતા ગયા સપ્તાહે નોકરી ગુમાવનારા ૩૦ લાખ અમેરિકનોએ બેરોજગારી સહાય મેળવવા માટે અરજી કરી હતી.
કોરોના મહામારીને કારણે બે મહિનામાં વેપાર ધંધાને બંધ કરવાની ફરજ પડવાને પગલે અત્યાર સુધીમાં કુલ ૩૬ મિલિયન અમેરિકનોએ બેરોજગારી સહાય મેળવવા માટે અરજીઓ કરી હોવાનું શ્રમ વિભાગે જણાવ્યું હતું.
જો કે સતત છઠ્ઠા સપ્તાહમાં પણ પહેલીવાર આ બેરોજગારી સહાય મેળવવા માટે અરજી કરનારાઓની સંખ્યા નોંધાઈ હોવાને કારણે એ બાબત સ્પષ્ટ થાય છે કે કંપનીઓ હજી તેમના નોકરીયાતો પર કાપ મુકી રહી છે. સાપ્તાહિક બેરોજગારીના આંકડાઓ દર્શાવે છે કે અમેરિકાના અર્થતંત્રમાં ભારે પડતી આવી છે. માર્ચ મહિનામાં જેટલી અરજીઓ આવી હતી તેના કરતાં ગયા સપ્તાહે આવેલી અરજીઓની સંખ્યા વધારે હતી.
અમેરિકાની સરકારે જણાવ્યું હતું કે એપ્રિલ મહિનામાં બેરોજગારીનો દર વધીને ૧૪.૭ ટકા થયો હતો. જે મહામંદી બાદ નોંધાયેલો સૌથી વધારે ઉંચો દર છે. બેરોજગારી સહાય મેળવવા માટે ગયા સપ્તાહે કરવામાં આવેલી અરજીઓની સંખ્યા વિરાટ છે. ૨૦.૫ મિલિયન લોકોએ નોકરીઓ ગુમાવી છે. એક દાયકામાં જેટલી નોકરીઓ વધે તેટલી નોકરીઓ એક જ મહિનામાં ગાયબ થઇ ગઇ છે. અગાઉ નોકરી ગુમાવનારા લાખો લોકોએ એપ્રિલમાં નવી નોકરીઓ મેળવવા માટે પ્રયાસ જ કર્યો નહોતો. તેમનો આ સંખ્યામાં સમાવેશ કરવામાં આવ્યો નથી. જો આ લોકોને પણ બેરોજગાર ગણવામાં આવે તો બેરોજગારીનો દર ૨૪ ટકા જેટલો થઇ જાય તેમ છે. મોટા ભાગના અર્થશાીઓના અંદાજ અનુસાર મે મહિનામાં અમેરિકામાં બેરોજગારીનો દર ૧૮ ટકા કરતાં વધારે રહેવાની સંભાવના છે.
અમેરિકામાં હાલ દેશવ્યાપી ધોરણે કોરોનાના ચેપના કેસોની સંખ્યા સતત ઘટી રહી છે ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્હાઇટ હાઉસના કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય ડો. એન્થોની ફોચી મૃત્યુઆંકના મામલે આમને સામને આવી ગયા છે.
ટ્રમ્પ અને તેમના સાથીદારો એમ માને છે કે હાલ જે મૃત્યુઆંક જણાવવામાં આવે છે તેનાથી તે વાસ્તવમાં ઓછો છે. પરંતુ ડો. એન્થોની ફોચીએ જણાવ્યું હતું કે ઘણાં લોકો હોસ્પિટલમાં દાખલ થયા વિના જ કોરોનાના ચેપને કારણે મૃત્યુ પામી રહ્યા છે જેમનો મૃત્યુઆંંકમાં સમાવેશ કરવામાં આવતો ન હોઇ વાસ્તવિક મૃત્યુઆંક દર્શાવવામાં આવતા મૃત્યુઆંક કરતાં વધારે હોવો જોઇએ.