અમેરિકન એડમિનિસ્ટ્રેશન દ્વારા H1-B વિઝા અરજદારો માટે બીજી લોટરીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજનથી અગાઉ H1-B વિઝા ન મેળવી શકનારા મોટી સંખ્યામાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સને અસામાન્ય રીતે બીજી તક મળશે. નવા ડ્રો માટે બીજી ઓગસ્ટથી ત્રણ નવેમ્બર સુધી અરજી કરી શકાશે તેમ અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસ (USCIS) દ્વારા જણાવવામાં આવ્યું છે.
USCISએ જણાવ્યું હતું કે, આ વર્ષની શરૂઆતમાં આયોજિત H1-B વિઝા માટે કમ્પ્યુટર દ્વારા ડ્રો માટે તેમને કોંગ્રેસમાંથી મંજૂર થયેલ H1-B વિઝાની પૂરતી સંખ્યા મળી નહોતી. તેથી બીજા ડ્રોનો નિર્ણય કરવામાં આવ્યો હતો. H1-B વિઝા બિનનિવાસી વિઝા છે, જેની મદદથી અમેરિકન કંપનીઓ સૈદ્ધાંતિક અથવા ટેકનિકલ નિષ્ણાતની જરૂરિયાતવાળા વિશિષ્ટ વ્યવસાયોમાં વિદેશી કર્મચારીઓને નોકરીઓ પર રાખે છે. આઈટી કંપનીઓ દર વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાંથી હજારો લોકોની નિમણૂક કરવા માટે H1-B વિઝા પર નિર્ભર રહે છે.
અમેરિકામાં કોંગ્રેસ દ્વારા મંજૂરી અપાયેલી વાર્ષિક 65 હજાર વિઝા અરજીઓની પસંદગી કરવામાં આવે છે. જોકે, અમેરિકાની માસ્ટરથી વધુની ડિગ્રી સાથેના લાભાર્થી તરફથી પ્રથમ વીસ હજાર અરજીઓને આ મર્યાદામાંથી મુક્તિ મળે છે. USCIS જણાવ્યું હતું કે, અમે તાજેતરમાં જ નિર્ણય કર્યો છે કે અમને નાણાકીય વર્ષ 2022 સુધી વધારાની અરજીઓની પસંદગી કરવાની જરૂર છે. માત્ર નાણાકીય વર્ષ 2022 માટે વૈકલ્પિક નોંધણી કરનારાઓ માટે પ્રથમ અરજીની મુદત 1 એપ્રિલ, 2021થી 30 જૂન, 2021 સુધી હતી.
USCIS જણાવ્યું કે, અમે અગાઉ ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન દ્વારા આવેલી અરજીઓમાંથી 28 જુલાઈએ લોટરી પસંદગી પ્રક્રિયાથી કેટલીક અરજીઓની પસંદગી કરી હતી. આ પસંદ થયેલી અરજીઓના આધારે અરજદારોએ 2 ઓગસ્ટથી 3 નવેમ્બર વચ્ચે અરજી કરવાની રહેશે. પસંદ થયેલા અરજદારોએ પસંદગીની નોટિસ સહિત તેમનું માય USCIS એકાઉન્ટ અપડેટ રાખવાનું રહેશે.
USCIS જણાવ્યું કે પહેલી લોટરી પસંદગીમાં તક નહીં મેળવી શકેલા ભારતીય આઈટી પ્રોફેશનલ સહિત સેંકડો અરજદારોને આ વર્ષે બીજી લોટરી મારફત વધુ એક તક મળવાની શક્યતા છે. ફેડરલ એજન્સીએ કહ્યું હતું કે, માત્ર નાણાકીય વર્ષ 2022 માટે પસંદ થયેલા રજિસ્ટ્રેશન્સ સાથે અરજદારોએ અરજી કરવાની રહેશે. તેમણે ઉમેર્યું કે, H1-B કેપ-આધારિત અરજીઓ યોગ્ય સર્વિસ કેન્દ્રમાં યોગ્ય રીતે ભરાયેલી હોવી જોઈએ.
H1-B વિઝા અરજીઓ માટે ઓનલાઈન ફાઈલિંગ ઉપલબ્ધ નથી. એચ-૧બી અરજી કરનારા અરજદારોએ નાણાકીય વર્ષ 2022 H1-B કેપ-સબ્જેક્ટ પિટિશન સાથે રજિસ્ટ્રેશન પસંદગી નોટિસની પ્રિન્ટેડ નકલ સહિત બધા જ જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. રજિસ્ટ્રેશન પસંદગી માત્ર સંકેત આપે છે કે અરજદારો H1-B કેપ સબ્જેક્ટની અરજીઓ માટે લાયક છે.