ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11.05 વાગ્યે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રસી ઘણા ઓછા સમયમાં આવી ગઈ છે. આ માટે અત્યારે 3,006 કેન્દ્રો તૈયાર કરાયા છે. જેમાં શનિવારે પ્રથમ દિવસે 3,00, 600 આરોગ્ય કર્મીઓને રસી અપાશે. સરકારે રસીના 10.65 કરોડ ડોઝ વિવિધ રાજયોને મોકલ્યા છે.
વડાપ્રધાને કહ્યું કે, કોરોનાની વેક્સિન વિકસીત કરવા માટે વૈજ્ઞાનિકોએ દિવસ-રાત મહેનત કરી છે. વિશ્વના સૌથી મોટા રસીકરણના અભિયાન માટે હું સૌને શુભેચ્છા પાઠવું છું. તેઓ સંબોધન વેળાએ ભાવૂક પણ થઈ ગયા. તેમણે કહ્યું કે, આપણને બચાવવા માટે ઘણા લોકોએ પોતાના પ્રાણ સંકટમાં નાખ્યા. ઘણા લોકો ઘરે પાછા નથી આવ્યા. હવે આરોગ્ય સેવા સાથે સંકળાયેલા લોકોને વેક્સિન લગાવીને એક પ્રકારે સમાજ પોતાનું ઋણ ચૂકવી રહ્યો છે.
નવી દિલ્હીસ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ (એઇમ્સ)ના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરીયાએ કોરોના રસી લીધી છે. રસી લઈને તેમણે દેશવાસીઓમાં કોરોના વેક્સીન સુરક્ષિત હોવાનું પુરવાર કર્યું છે. દિલ્હી એઇમ્સ ખાતે મનીષ કુમાર નામના એક સફાઈ કર્મચારીએ કોરોનાની પ્રથમ રસી લીધી છે, ભારત સરકારના આરોગ્ય પ્રધાન હર્ષવર્ધનની હાજરીમાં તેમણે રસી લીધી હતી.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, ‘કટોકટીના તે જ સમયે, નિરાશાના સમાન વાતાવરણમાં, કોઈ પણ આશાનું સંચાર કરી રહ્યા હતા, આપણને બચાવવા માટે પોતાનો જીવ સંકટમાં મૂકી રહ્યા હતા. આ લોકો આપણા ડોકટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ ડ્રાઇવરો, આશા વર્કર્સ, સફાઈ કામદારો, પોલીસ અને અન્ય ફ્રન્ટલાઈન કામદારો હતા. અમારા ઘણા સાથીઓ કોરોનાથી સંક્રમિત થયા પછી હોસ્પિટલમાંથી પરત આવ્યા નથી. અમે આવા તમામ સાથીઓને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ.’