હીથરો એરપોર્ટની તસવીર (Photo by DANIEL LEAL-OLIVAS/AFP via Getty Images)

ભારત ખાતેના બ્રિટનના હાઇકમિશનર એલેક્સ એલિસે ગુરુવારે જણાવ્યું હતું કે વેક્સિન સર્ટિફિકેટના મુદ્દે ભારત અને બ્રિટન વચ્ચે ઉત્કૃષ્ટ ટેકનિકલ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બ્રિટનના નવા ટ્રાવેલ નિયમોનો ઉલ્લેખ કરતાં એલિસે બુધવારે જણાવ્યું હતું કે કોવિશિલ્ડ વેક્સિન અંગે કોઇ સમસ્યા નથી અને મુખ્ય સમસ્યા ભારતના કોવિન એપ્સ મારફત આપવામાં આવતા કોરોના વેક્સિન સર્ટિફિકેટ છે.

તેમણે ગુરુવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ભારતના નેશનલ હેલ્થ ઓથોરિટીના ચેરમેન આર એસ શર્મા સાથે ટેકનિકલ મુદ્દાની ઉત્કૃષ્ટ ચર્ચા થઈ છે. બેમાંથી એકપણ દેશે એકબીજાની સર્ટિફિકેટ પ્રોસેસ અંગે ટેકનિકલ ચિંતા રજૂ કરી નથી. તે ભારત અને બ્રિટન વચ્ચેના ટ્રાવેલને સરળ બનાવવા અને જાહેર આરોગ્યના સંપૂર્ણ રક્ષણના અમારા સંયુક્ત ઉદ્દેશ અંગે મહત્ત્વનું પગલું છે.

તેમણે જણાવ્યું હતું કે “CoWIN એપ અને NHS એપ મારફતના સર્ટિફિકેટ અંગે અમે વિગતવાર ટેકનિકલ ચર્ચાવિચારણા કરી છે. બંને દેશો એકબીજા દ્વારા જારી કરાયેલા વેક્સિન સર્ટિફિકેટને પરસ્પર માન્યતા આપે તે સુનિશ્ચિત કરવા ઝડપથી કામગીરી થઈ રહી છે.”

બ્રિટનની ટ્રાવેલ એડવાઇઝરીમાં કોવિશિલ્ડને માન્ય ન ગણવામાં આવતા ભારત તેની આકરી ટીકા કરી હતી. આ પછી બ્રિટને બુધવારે એસ્ટ્રાઝેનેકાના ભારતીય વર્ઝન કોવિશિલ્ડનો સમાવેશ કરવા તેની ટ્રાવેલ ગાઇડલાઇનમાં સુધારો કર્યો હતો તથા ઇન્ટરનેશનલ ટ્રાવેલ એડવાઇઝરીને અપડેટ કરી હતી.

જોકે કોવિશિલ્ડના બંને ડોઝ લીધેલા ભારતીય મુસાફરોએ હજુ પણ યુકેમાં 10 દિવસ ક્વોરેન્ટાઇન થવું પડશે. યુકેના અધિકારીઓએ બુધવારે સ્પષ્ટતા કરી હતી કે આ વેક્સિનના સમાવેશથી વધુ ફરક પડતો નથી.
એલિસે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમને કોવિશિલ્ડ અંગે કોઇ સમસ્યા નથી. બ્રિટન ટ્રાવેલ માટે ખુલ્લું છે તથા પ્રવાસીઓ, બિઝનેસમેન અને વિદ્યાર્થીઓ સહિતના ઘણા લોકો ભારતમાંથી બ્રિટન આવી રહ્યાં છે.

બ્રિટનના નવા નિયમો મુજબ સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ઉત્પાદિત કોવિશિલ્ડ઼ વેક્સિનના બંને ડોઝ લીધેલા ભારતીય મુસાફરોને વેક્સિન ન લીધેલા પ્રવાસી ગણવામાં આવશે અને તેમને 10 દિવસના સેલ્ફ આઇસોલેશનમાં રહેવું પડશે. આની તીવ્ર પ્રતિક્રિયા આપીને ભારતે મંગળવારે વળતા પગલાં લેવાની ચીમકી આપી હતી.