કોરોના વેક્સિનેશનને કારણે ભારતમાં એક વૃદ્ધનું મોત થયું હોવાના સરકારના અહેવાલમાં પ્રથમ વખત સ્વીકારવામાં આવ્યું છે. વેક્સિનના બંને ડોઝ લીધેલા 68 વર્ષીય વૃદ્ધનું 31 માર્ચે મોત થયું હતું અને તેને વેક્સીન પ્રોડક્ટસ રિલેટેડ રિએક્શન ગણવામાં આવ્યું છે.

રસીની આડઅસર માટે બનેલી નેશનલ કમિટીના અધ્યક્ષ ડૉ. એન કે અરોરાએ જણાવ્યું હતું કે “આ પહેલું મૃત્યુ છે, જેમાં વેક્સીનના કારણે એનાફલાક્સિસ રિએક્શન થવાની પુષ્ટી કરાઈ છે. કરોડો લોકો વેક્સીન લઈ ચૂક્યા છે, પરંતુ બહુ ઓછા લોકોને તેની આડઅસર થઈ છે. માત્ર 31 લોકોમાં જ એનાફલાક્સિસ કેસ હોવાનું સામે આવ્યું છે જેમાંથી એકનું મોત થયાની પુષ્ટી થઈ છે. મોટાભાગના એનાફલાક્સિસ રિએક્શનવાળા દર્દીઓની સારવાર થઈ ગઈ છે. એનાફલાક્સિસ એક પ્રકારની એલર્જી છે, જેના ગંભીર પરિણામો જીવલેણ સાબિત થતા હોય છે. જેમાં રસી લીધા બાદ 68 વર્ષના વૃદ્ધનું નિધન થઈ ગયું હતું. તેમણે 8 માર્ચ 2021ના રોજ રસી લીધી હતી.