ઈંગ્લેન્ડના હોમ સેક્રેટરી (ગૃહ પ્રધાન) પ્રીતિ પટેલ (ફાઇલ ફોટો) (Photo by Matt Dunham - WPA Pool/Getty Images)

યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ્સમાં રવિવારે ક્રોએશીઆ સામેની મેચમાં ઈંગ્લેન્ડની ટીમ રેસિઝમ વિરૂદ્ધની ચળવળને પોતાના સમર્થનના પ્રતીકરૂપે ગોઠણભેર ઉભી રહી હતી (ટેકિંગ ધી ની) તેની ટીકા કરતાં ઈંગ્લેન્ડના હોમ સેક્રેટરી (ગૃહ પ્રધાન) પ્રીતિ પટેલે એવું કહ્યું હતું કે ફૂટબોલ ટીમ ‘જેસ્ચર પોલિટિક્સ’ (ચેષ્ટાનું રાજકારણ) કરી રહી છે.

વડાપ્રધાન બોરિસ જોન્સને દેશવાસીઓને અનુરોધ કર્યો હતો કે રેસિઝમ વિરોધી દેખાવોને સમર્થન આપવા બદલ ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમનો કોઈએ હુરિયો બોલાવવો જોઈએ નહીં, ત્યારે પ્રીતિ પટેલે એવું કહ્યું હતું કે, ટીમનો હુરિયો બોલાવવો કે નહીં તે ફૂટબોલ ચાહકોની પસંદગીનો મામલો છે. હવે શુક્રવારે વેમ્બલીમાં ઈંગ્લેન્ડની ટીમ અને સ્કોટલેન્ડની ટીમ્સ મેચ પહેલા ‘ટેકિંગ ધી ની’ રૂપે પ્રતિકાત્મક રીતે રેસિઝમનો વિરોધ કરવાની છે ત્યારે સરકારના જ બે ટોચના નેતાઓ વચ્ચેના આવા મતભેદોથી મામલો વધુ વિવાદાસ્પદ બની શકે છે.

હજી આ સપ્તાહે જ નવી લોંચ થયેલી ટીવી ન્યૂઝ ચેનલ જીબી ન્યૂઝ સાથે વાત કરતાં પ્રીતિ પટેલે કહ્યું હતું કે, આ પ્રકારનું જેસ્ચર પોલિટિક્સ કરતા લોકોને હું સમર્થન નથી આપતી. હા, કોઈક વ્યાપક અને જાહેર હિતના કાર્યને સમર્થન આપવું, તમારો અવાજ લોકો સુધી પહોંચાડવો ઘણી સારી વાત છે, પણ ગયા વર્ષે આપણે જોયું હતું કે આ મુદ્દે દેખાવો કેટલા હિંસક, વ્યાપક તોડફોડ કરનારા બની ગયા હતા.

શેડો જસ્ટીસ સેક્રેટરી ડેવિડ લેમીએ પ્રીતિ પટેલની ટીપ્પણીઓને આઘાતજનક ભાગલાવાદી પ્રયાસ ગણાવતાં કહ્યું હતું કે, આપણે સૌએ – રાજકીય નેતાઓ સહિત – ટીમને સમર્થન, પીઠબળ આપવું જોઈએ.