અન્ય ટેકનોલોજી કંપનીઓની જેમ માઇક્રોસોફ્ટે પણ પોતાના કર્મચારીઓ માટે ઓફિસમાં આવવા માટે રસી લેવાનું અનિવાર્ય કર્યું છે. જ્યારે એમેઝોન તેની ઓફિસીઝ ફરીથી શરૂ કરવાના આયોજનને આવતા વર્ષ સુધી લંબાવ્યું છે. અમેરિકામાં વોશિંગ્ટન સ્ટેટમાં એમેઝોનથી નજીકની આ દિગ્ગજ કમ્પ્યુટર કંપની માઇક્રોસોફ્ટના જણાવ્યા અનુસાર તેઓ તેમની ઓફિસીઝ વહેલામાં વહેલી ચાર ઓક્ટોબરથી સંપૂર્ણ રીતે શરૂ કરી શકે છે.
માઇક્રોસોફ્ટ દ્વારા એએફપીને એક પૂછપરછમાં જણાવવામાં આવ્યું હતું કે, અમેરિકામાં માઇક્રોસોફ્ટની બિલ્ડિંગ્સમાં પ્રવેશનાર તમામ કર્મચારીઓ, વેન્ડર્સ અને મુલાકાતીઓને અમે સપ્ટેમ્બરની શરૂઆતમાં રસીના પૂરાવા બાબતે પૂછીશું. માઇક્રોસોફ્ટ અને અન્ય ટેકનોલોજી કંપનીઓ જણાવ્યું હતું કે, તેમના માટે કર્મચારીઓનું આરોગ્ય સૌથી મોટી પ્રાથમિકતા રહેશે, તેથી તેઓ મહામારીની ઝીણવટભરી માહિતી મેળવી રહ્યા છે અને પરિસ્થિતિ વણસે તો આયોજન માટે પણ તૈયાર છીએ.
ઇ-કોમર્સની અગ્રણી કંપની એમેઝોને જણાવ્યું હતું કે, તેઓ તેમની કોર્પોરેટ ઓફિસીઝમાં કર્મચારીઓને પરત બોલાવવાનું આવતા વર્ષે જાન્યુઆરી સુધી ટાળ્યું છે, જે આ વર્ષે સપ્ટેમ્બરમાં બોલાવવાની અપેક્ષા હતી. આ અંગે એમેઝોને જણાવ્યું હતું કે, જેમનું સંપૂર્ણ રસીકરણ થઇ ચૂક્યું છે તેને બાદ કરતા તમામ કર્મચારીઓ માટે અમે ઓફિસમાં માસ્ક પહેરવાનું જરૂરી બનાવીશું. ગૂગલ અને ફેસબુક દ્વારા પણ તેમની ઓફિસમાં આવતા કર્મચારીઓ માટે કોવિડ વિરુદ્ધની રસી લેવાનું જરૂરી બનાવવામાં આવશે. અમેરિકામાં ડેલ્ટા વેરિઅંટના કારણે સંક્રમણ વધવાથી ચિંતા ઊભી થઇ છે. દેશમાં છ લાખથી વધુ લોકોના મહામારીમાં મૃત્યુ થયા છે.