એક સમયે દૂરદર્શન પર પ્રસારિત થતી કોમેડી સીરિયલ ‘વાગલે કી દુનિયા’ લોકોના જીવન સાથે વણાઈ ગઈ હતી. દર્શકો તેને જોવા માટે ખૂબ જ આતુર હતા. હવે આ સીરિયલની રીમેક બનાવવામાં સબ ટીવી અને હેટ્સ ઓફ પ્રોડક્શન હાઉસ સફળ રહ્યું છે. જે.ડી. મજેઠિયા અને આતિશ કાપડિયાએ તેમની મહેનતથી આ ફેમસ ડેઈલી સોપના 300થી વધુ એપિસોડ ટેલિકાસ્ટ થઈ ચૂક્યા છે અને ટીઆરપી રેટીંગમાં આ સીટ-કોમ નવા-નવા રેકોર્ડ સર્જી રહી છે. આજે ‘વાગલે કી દુનિયા’ માં રાજેશ વાગલેની ભૂમિકા ભજવતા સુમીત રાઘવન, વંદના વાગલેનો રોલ નિભાવતી પરિવા પ્રણતી અને તેમના બાળકોનો રોલ નિભાવતા બંને બાળ કલાકારોની સાથે હેટ્સ ઓફ પ્રોડક્શનના જે.ડી. મજેઠિયાએ તાજેતરમાં અમદાવાદની મુલાકાત લીધી હતી અને તેમની ટેલિવિઝન સિરીઝની સફળતા અને તેના આગામી એપિસોડ્સ અંગે ચર્ચા કરી હતી.

દૈનિક જીવનમાં સામાન્ય પરિવારને પડતી મુશ્કેલીને આસાનીથી હાસ્ય સાથે દર્શાવનાર આ ડેઈલી સોપની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. લગભગ બે દાયકા પહેલાની સફળ સિરીઝને ફરી એકવાર જીવંત કરવી તે એક ચેલેન્જ સમાન હતી પરંતુ તે ચેલેન્જ પણ પ્રોડ્યુસર્સ અને એક્ટર્સ બખૂબી નિભાવી રહ્યા છે અને આ ટેલિવિઝન સિરીઝ લાખો વ્યૂઅર્સના દિલ જીતી રહી છે.

‘વાગલે કી દુનિયા’ ટીમે તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી અને સીરિયલની સફળતા વિશે ચર્ચા કરી હતી. ભૂપેન્દ્ર પટેલે પણ સ્ટોરી પાર્ટમાં અનેક સજેશન આપ્યા હતા અને સાથે કહ્યું હતું કે, સામાન્ય પરિવારને પડતી તકલીફોને યુનિક રીતે દર્શાવી અને તેના સોલ્યુશન આપવા તે ઘણી સરાહનીય વાત છે.

ડેઈલી-સોપની લોકપ્રિયતા જાળવી રાખવી તે કોઈપણ પ્રોડ્યુસર્સ અને ટીમ માટે લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે. આ અંગે જે.ડી. મજેઠિયાનું કહેવું છે કે, અમે 14 રાઈટર્સની ટીમ બનાવી છે અને હું પોતે પણ રાઈટીંગ પ્રોસેસમાં જોડાયો છું. અમે કોઈપણ સ્ટોરીને વધુ ખેંચી નથી રહ્યા અને દરેક સ્ટોરીને મેક્સિમમ બે કે ત્રણ એપિસોડમાં પૂરી કરવાનો આગ્રહ રાખીએ છીએ. જેથી ઓડિયન્સનો પણ ઈન્ટરેસ્ટ જળવાઈ રહે. તેમણે ઉમેર્યું હતું કે, અમારી સીરિયલનો એક ટોપિક ખૂબ જ ટ્રેન્ડ થયો હતો. જેમાં બાળકોને સમજાવવા ખૂબ જ જરૂરી એવા ગુડ ટચ અને બેડ ટચ વિષયને ખૂબ સરસ રીતે દર્શકો સામે મૂક્યો અને જે લોકોને ખૂબ ગમ્યું. અનેક લોકોએ અમારી મહેનતને વખાણી છે.
અને આવા અનેક ટોપિકને ‘વાગલે કી દુનિયા’ મારફતે તેમની તરફ રજૂ કરવા અપીલ કરી હતી.