વેદાંત રિસોર્સિસના વડા અનિલ અગ્રવાલ (ફાઇલ ફોટો (Photo by RODGER BOSCH/AFP via Getty Images)

ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર બ્લોકમાંથી અનિલ અગ્રવાલના વડપણ હેઠળની વેદાંતને કુદરતી ગેસનો મોટો ભંડાર મળી આવ્યો હોવાની મુંબઈ સ્ટોક એક્સચેન્જને કંપનીએ મંગળવારે માહિતી આપી હતી. આ બ્લોક કંપનીએ ઓપન એક્રીયેજ લાઈસન્સ પોલિસી (OALP) હેઠળ મેળવ્યો હતો. આ બ્લોકમાંથી કેટલો નેચરલ ગેસ મળ્યો છે તેની હજુ વિગત ઉપલબ્ધ થઈ નથી.

કંપનીએ જણાવ્યું હતું કે 23 ઓગસ્ટ 2021ના દિવસે ડીજીએસ અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયને જાણ કરી હતી કે તેને ફાળવવામાં આવેલા જયા-1ના નામથી ઓળખાતા બ્લોકમાંથી ગેસ મળી આવ્યો છે. ગુજરાતના ભરૂચ જિલ્લામાં ઓપન એરિયા લાઈસન્સ પોલીસી હેઠળ તેને બ્લોકમાં શારકામ કરવામાં આવ્યું હતું.
આ બ્લોકમાં ઉત્ખનન માટેની મંજૂરી માગવામાં આવી છે. કંપનીને ઓક્ટોબર 2018માં આ બ્લોકની ફાળવણી કરવામાં આવી હતી. ઓપન એરિયા લાઈસન્સ પોલીસી – 1 દરમિયાન કરવામાં આવેલા બિડિંગને અંતે આ બ્લોકની ફાળવણી કરવામાં આવી હતી.

આ બ્લોક અને તેની પરિસરમાં અન્ય 40 મળીને કુલ 41 બ્લોકની ફાળવણી કરવામાં આવી હતી. આ બ્લોકમાં વેદાંત કંપની સો ટકા ભાગીદારી ધરાવે છે. આ કંપનીને ઓપન એરિયા લાઈસન્સ પોલીસી હેઠળ ફાળવવામાં આવેલા બ્લોકમાં હાઈટ્રો કાર્બનનો આ બીજો જથ્થો મળી આવ્યો છે.