વેનેઝુએલાના વિરોધ પક્ષના નેતા મારિયા કોરિના મચાડોને દેશમાં લોકશાહીને પ્રોત્સાહન આપવા અને સરમુખત્યારશાહી સામે લડવા માટેના તેમના કાર્ય માટે નોબેલ શાંતિ પુરસ્કારની શુક્રવારે 10 ઓક્ટોબરે જાહેરાત કરાઈ હતી. આની સાથે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું શાંતિના નોબેલ પુરસ્કાર માટેનું સપન રોળાયું હતું. ખુદ ટ્રમ્પે આ એવોર્ડ માટે પોતાને પ્રમોટ કર્યા હતાં અને જણાવ્યું હતું કે તેમણે ભારત-પાકિસ્તાન સહિત સંખ્યાબંધ યુદ્ધ બંધ કરાવ્યા છે, તેથી તેમને આ પુરસ્કાર મળવો જોઇએ. ગુરુવારે ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામ માટેની તેમની યોજનાને પગલે ટ્રમ્પના નામની પણ અટકળો ચાલતી હતી.
જોકે નોર્વેની નોબેલ સમિતિના અધ્યક્ષ જોર્ગેન વાટને ફ્રાઇડનેસે જણાવ્યું હતું કે વેનેઝુએલાના પ્રેસિડન્ટના ભૂતપૂર્વ ઉમેદવાર મચાડો વિભાજિત વિપક્ષને એકજૂથ કરવામાં ચાવીરુપ ભૂમિકા ભજવી હતી તથા મુક્ત ચૂંટણીઓ અને પ્રતિનિધિ સરકાર માટેની માગણીને બુલંદ બનાવી હતી. છેલ્લા એક વર્ષમાં માચાડોને છુપાઈને રહેવાની ફરજ પડી છે. તેમના જીવન સામે ગંભીર જોખમો હોવા છતાં, તેઓ દેશમાં રહ્યાં છે. તેનાથી લાખો લોકોને પ્રેરણા મળી છે.
સરમુખત્યારશાહી સત્તા કબજે કરે છે, ત્યારે સ્વતંત્રતાના હિંમતવાન રક્ષકોનું સન્માન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વેનેઝુએલામાં લોકશાહી ચળવળના નેતા તરીકે માચાડો તાજેતરના સમયમાં લેટિન અમેરિકામાં સામાન્ય નાગરિકની હિંમતનું પ્રતિક માનવામાં આવે છે. તેઓ વેનેઝુએલાની લોખંડી મહિલા તરીકે ઓળખાય છે. ૫૮ વર્ષીય ઇન્ડસ્ટ્રીયર એન્જિનિયરને ૨૦૨૪માં વેનેઝુએલાની પ્રેસિડન્ટની ચૂંટણી લડતાં કોર્ટે અટકાવ્યાં હતાં. વેનેઝુએલામાં 2013થી નિકોલસ માદુરો સત્તા પર છે.
