દેશમાં અને ગુજરાતમાં વધી રહેલા કોરોનાના નવા કેસની સ્થિતિમાં ગાંધીનગરમાં ઉત્તરાયણ પહેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ યોજાશે કે નહીં તેવી ચર્ચા થઇ હતી. પરંતુ હવે એ નક્કી થઇ ગઈ ગયું છે કે આ 10મી સમિટ યોજાશે અને તેના ઉદ્ધાટન માટે વડાપ્રધાન મોદી સહિતના અનેક વિદેશી મહાનુભાવો પણ ગાંધીનગર જશે. વડાપ્રધાન 10 જાન્યુઆરીએ સમિટનું ઉદ્ઘાટન કરશે અને તેઓ ત્રણ દિવસ રોકાશે તેવી પણ અટકળો છે. 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ સમિટમાં પ્રથમવાર પાંચ દેશોના વડા પણ ઉપસ્થિત રહેશે.

આ વેળાએ રશિયા, મોરેશિયસ, નેપાળ, સ્લોવેનિયાના વડાપ્રધાન અને મોઝામ્બિકના પ્રેસિડેન્ટ સહિત 26 પાર્ટનર દેશના ડેલિગેટ્સ, 15 ફોરેન મિનિસ્ટર અને ચાર ફોરેન ગવર્નર ઉપસ્થિત રહેશે. રશિયાના વડા પ્રધાન મિખાઇલ મિશુસ્ટિન, મોઝામ્બિકના પ્રેસિડેન્ટ ફિલિપ જેકિન્ટો ન્યુસી, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ, નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉબા અને સ્લોવેનિયાના વડા પ્રધાન જાનેઝ જાન્સા સમિટમાં હાજર રહેશે તેવું કહેવાય છે. આ સમિટમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, કે એમ બિરલ, સુનિલ ભારતી મિત્તલ , અશોક હિન્દુજા, એન.ચંદ્રશેખરન અને હર્ષ ગોએન્કા સહિત ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓ પણ ખાસ હાજરી આપશે. આ ઉપરાંત વિવિધ આંતરરાષ્ટ્રીય કંપનીઓના સી.ઇ.ઓ. અને વડાઓ પણ ગાંધીનગર જશે. તેમાં અલ્તાન અહેમદ બિન સુલેમ (ડી પી વર્લ્ડ ), ડીડીઅર કાશીમાઇરો (રોસનેફટ), ટોની ફાઉન્ટેન (નયારા એનર્જી), તોશિહિરો સુઝુકી (સુઝુકી મોટર કોર્પ ), ડો. વિવેક લાલ (ગ્લોબલ એટોમીક્સ ગ્લોબલ કોર્પોરેશન), મઇડા તાડશી (જાપાન બેંક ફોર ઇન્ટરનેશલ કોર્પોરેશન), શૈલ ગુપ્તે (બોઇંગ ઇન્ડિયા) અને વિલીયમ બ્લેર (લોકડીહ માર્ટીન ઇન્ડિયા)નો સમાવેશ થાય છે.