અમેરિકામાં ઓમિક્રોન વેરિઅન્ટના કારણે કોવિડ-19ના કેસમાં વધારો જોવા મળતા આરોગ્ય સત્તાધિશોએ દેશવાસીઓને અરજ કરી છે કે, તેમણે રસીના સંપૂર્ણ ડોઝ લીધા હોય તો પણ ક્રુઝની મુસાફરી ટાળવી જોઇએ.
યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે કે, ક્રુઝના પ્રવાસ અંગેની નોટીસને લેવલ ચાર પર અપગ્રેડ કરવામાં આવી છે, જેમાં કોવિડ-19થી સંક્રમણનું જોખમ સૌથી વધુ દર્શાવવામાં આવ્યું છે.
નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે કે, મુસાફરી દરમિયાન સંપૂર્ણ રસી લીધેલા પ્રવાસીઓમાં પણ કોવિડ-19થી સંક્રમિત થવાનું અને સંક્રમણ ફેલાવવાનું જોખમ હોય શકે છે.
સીડીસીના પ્રવક્તાએ ઇમેઇલમાં જણાવ્યા અનુસાર 15થી 29 ડિસેમ્બર દરમિયાન અમેરિકાના સમુદ્રમાં મુસાફરી કરનાર 5013 લોકોમાં કોરોના જણાયો હતો, જે અગાઉના બે અઠવાડિયા કરતા 31 ગણા વધારે હતા.
સીડીસીએ જણાવ્યું હતું કે, જો તમે સંપૂર્ણ રસી અને બૂસ્ટર ડોઝ લીધો હોય તો પણ જહાજમાં નજીક બેઠેલા લોકોમાં કોવિડ-19 વાઇરસનું સંક્રમણ સરળતાથી ફેલાવાની સંભાવના ખૂબ જ વધુ હોય છે.
ખૂબ જ ફેલાઇ શકે તેવા ઓમિક્રોન વેરિઅન્ટ સાથે જોડાયેલા તાજેતરના કેસોમાં વધારાથી ક્રુઝ ઇન્ડસ્ટ્રી માટે નવા પડકારો ઊભા થયા છે, જેણે આ સમરમાં અમેરિકામાં એક વર્ષથી વધુ સમય માટે ફરજિયાત બંધ રાખીને ફરીથી ક્રુઝ સર્વિસ શરૂ કરી છે.
થોડા દિવસ અગાઉ રોયલ કેરેબિયને કોવિડ કેસોમાં વધારો થવાના કારણે 331 માંથી 16 સ્થળોમાં ફેરફાર કર્યા હતા અથવા યાત્રા રદ કરી હતી. રોયલ કેરેબિયન, કાર્નિવલ અને નોર્વેજીયન ક્રૂઝ લાઇનના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.