વિયેતનામની કમ્યુનિસ્ટ સરકારે દંપતીઓને બાળકોની સંખ્યા બે સુધી મર્યાદિત રાખવાની તેની લાંબા સમયથી અમલમાં રહેલી નીતિને રદ્ કરી છે. સરકારી મીડિયાના જણાવ્યા મુજબ, દેશ હવે જન્મ દરને વધારવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. વિયેતનામ ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, સરકારે 1988માં દેશના દંપતીઓને બેથી વધુ બાળકો રાખવા પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ હવે પરિવારમાં કેટલા લોકો હોવા જોઇએ તે નક્કી કરવાનો નિર્ણય દરેક વ્યક્તિગત દંપતીનો છે. આરોગ્ય મંત્રાલયે આ વર્ષે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન દેશમાં ઐતિહાસિક રીતે ઓછો જન્મ દર નોંધાયો છે, કુલ પ્રજનન દર ગત વર્ષે મહિલા દીઠ ફક્ત 1.91 બાળકોનો હતો, જે જરૂર કરતાં ઓછો છે. જન્મ દર 2021માં મહિલા દીઠ 2.11 બાળકોથી ઘટીને 2022માં 2.01 અને 2023માં 1.96 નોંધાયો છે. આ વલણ શહેરી અને આર્થિક રીતે વિકસિત પ્રદેશોમાં,વિશેષમાં હેનોઈ અને હો ચી મિન સિટી જેવા મોટા શહેરોમાં જોવા મળે છે, જ્યાં જીવનનિર્વાહના ખર્ચમાં વધારો થતાં આ સ્થિતિ સૌથી વધુ જોવા મળે છે. 22 વર્ષીય એક કર્મચારીએ જણાવ્યું હતું કે, ‘એક એશિયન હોવા છતાં, સામાજિક ધોરણો મુજબ મહિલાઓને લગ્ન કરવા અને બાળકો પેદા કરવા જરૂરી છે, પરંતુ બાળકનો ઉછેર કરવાનું ખૂબ ખર્ચાળ થઇ ગયું છે.’
નાયબ આરોગ્ય પ્રધાન ગ્યુયેન થી લિયન હુઓંગે આ વર્ષની શરૂઆતમાં એક કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, નીતિગત ફેરફારો અને જાહેર પ્રચાર-પ્રસાર કરાતો હોવા છતાં પરિવારોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવાનું વધુ મુશ્કેલ બની રહ્યું છે. ઘટતો જન્મ દર લાંબાગાળે સામાજિક-આર્થિક વિકાસ માટે પડકારો ઊભા કરે છે, જેથી વૃદ્ધ લોકોની વસ્તી વધે છે અને કામ કરનારાઓની અછત જોવા મળે છે. તેમણે સમાજને વિનંતી કરી કે તેઓ તેમની માનસિકતાને માત્ર કુટુંબ નિયોજન પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વસ્તી અને વિકાસના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં તબદિલ કરે.

 

LEAVE A REPLY