ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા રવિવારે 10 ક્રિકેટર્સનો હોલ ઓફ ફેમમાં સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ભારતના ઓલરાઉન્ડર વિનુ માંકડનું નામ પણ સામેલ છે. ટેસ્ટ ક્રિકેટના પ્રતિષ્ઠાસભર ઈતિહાસની ઉજવણી નિમિત્તે 10 ક્રિકેટ આઈકન્સને સામેલ કરવાની એક સ્પેશિયલ એડિશનની જાહેરાત આઈસીસી દ્વારા એક સત્તાવાર પ્રેસ રીલીઝમાં કરાઈ હતી.

આ યાદીમાં જણાવ્યા મુજબ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં નોંધપાત્ર પ્રદાન કરનારા 10 ખેલાડીઓ સાથે હોલ ઓફ ફેમમાં સામેલ ખેલાડીઓની કુલ સંખ્યા 103ની થશે. ટેસ્ટ ક્રિકેટના અલગ અલગ સમયગાળામાં પ્રદાન બદલ સન્માનિત ખેલાડીઓની યાદી આ મુજબ છેઃ

ક્રિકેટનો પ્રારંભિક કાળઃ ઓબ્રે ફોકનર (સા. આફ્રિકા) અને મોન્ટી નોબલ (ઓસ્ટ્રેલિયા)

બે વિશ્વ યુદ્ધ વચ્ચેનો કાળઃ સર લેરી કોન્સ્ટેન્ટાઈન (વેસ્ટ ઈન્ડિઝ) અને સ્ટાન મેક્કેબ (ઓસ્ટ્રેલિયા)

વિશ્વ યુદ્ધ પછીનો કાળઃ ટેડ ડેક્સ્ટર (ઈંગ્લેન્ડ) અને વિનુ માંકડ (ભારત)

વન-ડે ઈન્ટરનેશનલ્સ કાળઃ ડેસમન્ડ હેઈન્સ (વેસ્ટ ઈન્ડિઝ) અને બોબ વિલિસ (ઈંગ્લેન્ડ)

આધુનિક કાળઃ એન્ડી ફલાવર (ઝીમ્બાબ્વે) અને કુમાર સંગાકારા (શ્રીલંકા)

વિનુ માંકડની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં આઈસીસીની યાદીમાં જણાવાયું છે કે, તેઓ 44 ટેસ્ટ રમ્યા હતા અને 31.47 રનની સરેરાશ સાથે 2,109 રન કર્યા હતા, તો 32.62 રનની સરેરાશ સાથે 162 વિકેટ લીધી હતી. ભારતના મહાનતમ ઓલરાઉન્ડર્સમાંના એક, વિનુ માંકડ ડાબોડી સ્પિનર અને ઓપનિંગ બેટ્સમેન હતા, છતાં ટેસ્ટ ક્રિકેટમાં દરેક ક્રમે બેટિંગ કરનારા વિશ્વના ફક્ત ત્રણ ખેલાડીઓમાંથી તેઓ એક હતા. તેમના યાદગાર દેખાવોમાંનો એક ઈંગ્લેન્ડમાં લોર્ડ્સના મેદાન ઉપર જ હતો, જેમાં 1951માં તેમણે 72 રન અને 184 રન કર્યા હતા તેમજ 97 ઓવર્સની બોલિંગ પણ કરી હતી. ભારતના મહાન ઓપનિંગ બેટ્સમેન સુનિલ ગાવસ્કરને તેમણે કોચિંગ પણ આપ્યું હતું.