ભારતમાં કોરોના વાઇરસ મહામારીના કેસીઝમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કેસ 93 લાખથી વધી ગયા છે. ભારત વિશ્વનો બીજો દેશ છે જ્યાં સૌથી વધુ દર્દી નોંધાઈ રહ્યા છે, જ્યારે અમેરિકા પ્રથમ નંબરે છે. ભારતમાં દરરોજ 35 હજારથી 44 હજારસંક્રમિતો નોંધાઈ રહ્યા છે. ગત સપ્તાહ સુધીમાં ભારત સંક્રમિતોના મામલે ચોથા અને પાંચમા નંબરે હતો. અમેરિકા દરરોજ એક લાખથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે.
ભારતમાં અત્યારસુધીમાં કોરોનાના 93.51 લાખ કેસ નોંધાયા છે, જ્યારે 87.58 લાખ દર્દી સાજા થયા છે, જેમાં 1.36 લાખ લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 4.53 લાખ દર્દી સારવાર હેઠળ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કોરોનાના નવા કેસથી ચિંતા વધી કરી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 6,185 નવા કેસ નોંધાયા, 4089 સાજા થયા અને 486 દર્દીનાં મોત થયાં, જ્યારે પાટનગર દિલ્હીમાં 5,482 અને કેરળમાં 3,966 કેસ નોંધાયા. બીજી તરફ રાજસ્થાનમાં સતત 21 દિવસથી એક્ટિવ દર્દીઓની સંખ્યા વધી છે. મધ્યપ્રદેશમાં 12 દિવસ અને ગુજરાતમાં નવ દિવસથી એક્ટિવ કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્ર પણ સતત સાત દિવસથી એક્ટિવ કેસમાં વધારો નોંધાયો છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં 2011, રાજસ્થાનમાં 881, ગુજરાતમાં 203, મધ્યપ્રદેશમાં 478 એક્ટિવ કેસ વધ્યા હતા.
જોકે, રાહતના સમાચાર એ છે કે કોરોનાથી થતા મોતના કેસમાં ભારતની સ્થિતિ થોડી સારી છે. કોરોનાથી દરરોજ મૃત્યુના મામલે ભારત વિશ્વમાં હવે આઠમા ક્રમે છે, 25 નવેમ્બરે ભારત આ મામલે 5મા ક્રમે હતું.