પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

દેવાના ડુંગર તળે દબાયેલી ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયાના શેરધારકોએ તેની બ્રિટીશ પ્રમોટર એન્ટિટી વોડાફોન ગ્રૂપને રૂ. 436.21 કરોડની ઈક્વિટીની ફાળવણી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

કંપનીએ સ્ટોક એક્સચેન્જને સબમિટ કરેલા મતદાનના પરિણામો મુજબ, વોડાફોન આઈડિયા લિમિટિડના 99.94 ટકા શેરધારકોએ વોડાફોન ગ્રૂપ ફર્મ યુરો પેસિફિક સિક્યોરિટીઝને ઈક્વિટીની ફાળવણીને મંજૂરી આપી છે.
હાલ વોડાફોન આઇડિયા લિમિટેડમાં બ્રિટિશ પ્રમોટર વોડાફોન ગ્રૂપ 58.46 ટકા અને આદિત્ય બિરલા ગ્રૂપ 16.53 ટકા હિસ્સો ધરાવે છે. કંપનીએ માર્ચમાં વોડાફોન ગ્રૂપ પાસેથી રૂ. 3,375 કરોડ અને આદિત્ય બિરલા ગ્રૂપ પાસેથી રૂ. 1,125 કરોડનું નાણાંકીય ભંડોળ પ્રાપ્ત કર્યુ હતુ.

નાણાંકીય કટોકટીમાંથી બહાર નીકળવા માટે વોડાફોન આઇડિયા લિમિટેડ છેલ્લાં બે વર્ષથી બાહ્ય સ્ત્રોતોમાંથી રૂ. 20,000થી 25,000 કરોડ જેટલુ ભંડોળ ઉભુ કરવા પ્રયાસ કરી રહી છે પરંતુ હજી સુધી તેમાં કોઇ સફળતા મળી નથી. અલબત્ત કેન્દ્ર સરકારે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ટેલિકોમ સેક્ટર માટે જાહેર કરાયેલા એક રિફોર્મ પેકેજથી વોડાફોન આઈડિયાને મોટો ફાયદો થયો હતો. જેમાં વોડા – આઇડિયાએ ડેટ-ટુ- ઇક્વિટીનો વિકલ્પ પસંદ કરીને સરકારના આશરે રૂ.16,000 કરોડના વ્યાજની બાકી ચૂકવણીના બદલામાં કંપનીમાં 33 ટકા હિસ્સો ફાળવ્યો છે ઉપરાંત બાકી ચૂકવણી ઉપર ચાર વર્ષનું મોરેટોરિયમ પણ પસંદ કર્યો છે.

અત્રે નોંધનીય છે કે, 31મી માર્ચ, 2022ના રોજ વોડાફોન આઇડિયા કંપની ઉપર કુલ રૂ. 1,97,878 કરોડનું દેવુ હતુ. વિશ્લેષ્કોના મતે કંપનીએ આગામી 12 મહિનામાં રૂ. 8160 કરોડની ચૂકવણી કરવાની છે.