મિસિસિપીમાં યોજાયેલા કાર્યક્રમમાં દેશના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે, તેમની હિન્દુ પત્ની ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે. આ ઉપરાંત તેમણે આ કાર્યક્રમમાં H-1B વિઝા મુદ્દે પણ કેટલીક છણાવટ કરી હતી. તેમણે આ નિમિત્તે વધુમાં જણાવ્યું હતું કે, તેમને આશા છે કે હિન્દુ ધર્મમાં ઉછરેલી તેમની પત્ની ઉષા વાન્સ એક દિવસ કેથોલિક ચર્ચમાંથી પ્રેરણા મેળવશે અને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લેશે. તેમણે આ ઇચ્છા મિસિસિપીમાં ટર્નિંગ પોઈન્ટ યુએસએ સમારંભમાં સંબોધન કરતી વેળાએ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં જેડી વાન્સને પૂછવામાં આવ્યું હતું કે, ઉષા વાન્સ ’ખ્રિસ્તી ધર્મ સ્વીકારશે’ ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ‘હવે, મોટાભાગના રવિવારે, ઉષા મારી સાથે ચર્ચમાં આવશે. જેમ મેં તેને અને જાહેરમાં કહ્યું છે, તેમ હું હવે મારા નજીકના 10,000 મિત્રોની સામે કહીશ કે, મને આશા છે કે, મને જેમ ચર્ચમાંથી પ્રેરણા મળી હતી તેમ તે પણ પ્રેરિત થશે, તેવું હું પ્રામાણિકપણે ઈચ્છું છું. કારણ કે હું ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખું છું અને મને આશા છે કે, અંતે મારી પત્ની પણ તેને એ જ રીતે ધ્યાનમાં લેશે.’ તેમણે વધુમાં કહ્યું હતું કે, તેમની પત્નીનો ધર્મ તેમના માટે ‘કોઈ સમસ્યારૂપ નથી.’ ‘પરંતુ જો તેઓ ખ્રિસ્તી ધર્મ ન સ્વીકારે તો ભગવાન કહે છે કે દરેકને સ્વતંત્ર ઇચ્છા હોય છે, અને તેનાથી મને કોઈ સમસ્યા થતી નથી. તે એવી બાબત છે જે તમે તમારા મિત્રો સાથે, તમારા પરિવાર સાથે, તમારા સ્વજન સાથે ચર્ચા કરો છો.’ આ રીપબ્લિકન નેતાએ 2019માં કેથોલિક ધર્મ અંગીકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જ્યારે તેઓ તેમની પત્નીને મળ્યા, ત્યારે તેઓ પોતાને નાસ્તિક માનતા હતા. જોકે, તેમના બાળકોનો ખ્રિસ્તી ધર્મ મુજબ ઉછેર કરવામાં આવ્યો છે, અને તેઓ અભ્યાસ પણ ખ્રિસ્તી સ્કૂલમાં જ કરે છે.
આ જ કાર્યક્રમ દરમિયાન જેડી વાન્સે અન્ય એક ચર્ચામાં ફરીથી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના H-1B વિઝા કાર્યક્રમમાં સુધારાનો બચાવ કર્યો હતો. તેમની દલીલ હતી કે, ઓછા પગારમાં વિદેશથી પ્રતિભાશાળી લોકોને બોલાવીને અમેરિકન વર્કર્સના વેતનને ઘટાડવા માટે અત્યારની વ્યવસ્થાનો દુરુપયોગ થઇ રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘એડમિનિસ્ટ્રેશનનો H-1Bમાં સુધારાનો ઉદેશ્ય સ્થાનિક વર્કર્સ માટે નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવાનો અને વિઝાના મૂળ હેતુને ફરીથી સ્થાપિત કરીને વૈશ્વિક ઉચ્ચ પ્રતિભાને જાળવી રાખવાનો હતો, અમેરિકન વર્કર્સને સસ્તા વિકલ્પો સાથે બદલવાનો નહોતો. કાયદાકીય ઇમિગ્રેશન વ્યવસ્થા એટલા માટે જટિલ છે કારણ કે આપણે દર વર્ષે લગભગ દસ લાખ કાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશમાં સ્વીકારીએ છીએ. પુરાવા પણ સ્પષ્ટ દર્શાવે છે કે, તેમાંથી ઘણા ઇમિગ્રન્ટ્સ ખરેખર અમેરિકન વર્કર્સના વેતનમાં ઘટાડો કરી રહ્યા છે.’













