ફ્લોરિડાની જુદા જુદી યુનિવર્સિટીઓએ અમેરિકનોને નોકરીમાં પ્રાથમિકતા આપવા H-1B વિઝાધારકો ભરતી પર પ્રતિબંધ મુક્યો છે. ઉચ્ચ શિક્ષણમાં H-1B વિઝાના દુરુપયોગને રોકવા ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસે રાજ્યની સંસ્થાઓને યુનિવર્સિટીમાં કર્મચારીઓની ભરતીમાં સ્થાનિકોને પ્રાથમિકતા આપવા અને વર્ક વિઝા પર વિદેશી વર્કર્સને બોલાવવાની પરંપરા બંધ કરવા આદેશ આપ્યો છે. ડીસેન્ટિસે જણાવ્યું હતું કે, ‘દેશભરની યુનિવર્સિટીઓ યોગ્ય ધરાવતા અને કામ કરવા માટે ઉપલબ્ધ અમેરિકનોને નોકરી પર રાખવાને બદલે H-1B વિઝા પર વિદેશી વર્કર્સને બોલાવી રહી છે. અમે ફ્લોરિડાની યુનિવર્સિટીઓમાં H-1B વિઝાના દુરુપયોગને સ્વીકારીશું નહીં. આથી મેં ફ્લોરિડા બોર્ડ ઓફ ગવર્નર્સને આવી પરંપરા બંધ કરવા સૂચના આપી છે.’ તેમણે જણાવ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં ફ્લોરિડામાં મોખરે છે અને દર વર્ષે ઉચ્ચ લાયકાત ધરાવતા હજ્જારો અમેરિકનો અહીંની કોલેજો અને યુનિવર્સિટીઓમાંથી ગ્રેજ્યુએટ થાય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘જો કોઈ યુનિવર્સિટી ખરેખર તેમને ત્યાં ખાલી જગ્યાઓ ભરવા માટે સ્થાનિક નાગરિકો શોધવામાં સંઘર્ષ કરી રહી હોય, તો તેમણે તેમના શૈક્ષણિક કાર્યક્રમોની સમીક્ષા કરવી જોઈએ કે, તેઓ શા માટે આ નોકરી માટે યોગ્ય ગ્રેજ્યુએટ આપી શકતી નથી.’













