• શ્રી વ્રજ પાનખણીયા, સ્થાપક – CEO, વેસ્ટકોમ્બ ગૃપ

મારા બિઝનેસ, ચેરીટી વર્ક અને હોલીડેઝના કારણે મારે દેશ-વિદેશની ખૂબ જ મુસાફરી કરવી પડે છે. પરંતુ મારે ઘણાં બહુ દુ:ખ સાથે આજે કહેવું પડે છે કે યુકે અને ખાસ કરીને આપણા લંડનના એરપોર્ટ્સનું મેનેજમેન્ટ બરોબર થતું નથી. ચેક ઇન માટેનું લાંબુ વેઇટીંગ હોય કે બેગેજ મેળવવાનું હોય કે પછી લેન્ડીંગ માટેનો સ્લોટ મેળવવાનો હોય, આ પણે લાંબો સમય રાહ જોવી પડે છે.

હમણાં જ મેં સમાચાર વાંચ્યા હતા કે ગેટવિક એરપોર્ટ પર મુસાફરોને પોતાનો સામાન કન્વેયર બેલ્ટ પર આવે તે માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી અને મુસાફરોએ આ અંગેની ફરિયાદો સોશિયલ મીડિયા પર કરી હતી. ગેટવિક એરપોર્ટ પર લગેજ હેન્ડલર્સની અછત હોવાનું જણાવતા અનેક ટ્વીટ્સ થયા હતા. કારણ એવું અપાયું હતું કે એરલાઇન્સ આ કામ બેગેજ હેન્ડલિંગ કંપનીઓને સોંપે છે જેથી એરપોર્ટ તે માટે જવાબદાર નથી. એવું નથી કે બહુ બધી ફ્લાઇટનો ભરાવો થયો હોવાથી આવું બન્યું હતું. ટર્મીનલ પર કોઇ વિમાન નહતું તો પણ આ તકલીફ થઇ હતી. જેના કારણે મુસાફરો બહુ ગુસ્સે થયા હતા. આ વખતે હવામાનનુ કારણ આપવામાં આવ્યું હતું.

લંડનના મોટાભાગના એરપોર્ટ્સે આ સમરમાં સંઘર્ષ કરવો પડ્યો હતો. હીથરો એરપોર્ટ પરથી ઉડતા પ્રવાસીઓએ ફ્લાઇટ કેન્સલેશન અને સ્ટાફની અછતને કારણે ભારે વિલંબનો અનુભવ કર્યો હતો. તો હોલીડે કરીને પરત આવતા મુસાફરોના લગેજના ઢગલા વેરવિખેર પડેલા નજરે પડતા હતા તો કેટલાય મુસાફરો તેમના સામાનની શોધખોળ કરવી પડતી હોવાનું નજરે પડતું હતું.

ગયા મહિને હું પોર્ટુગલની હોલીડે કરીને ફારોથી લંડન હીથરો પરત થતો હતો ત્યારે અમારુ પ્લેન 3 કલાક લેટ પડ્યું હતું. અમે લેન્ડ થયા તો જણાવાયું કે પાર્કિંગ સ્લોટ મળે તેમ ન હતો જેને કારણે અમારે એક કલાક ટર્મેક પર રોકાવું પડ્યું હતું. એ પછી મારે દોઢ કલાક કરતા પણ વધુ સમય બેગેજ માટે રાહ જોવી પડી હતી. અમારી એક બેગ આવી ગયા પછી પાછો બીજા એક કલાક સુધી બીજી બેગની રાહ જોવી પડી હતી. અમે પૂછપરછ કરતાં અમને જણાવાયું હતું કે પૂરતા બેગેજ હેન્ડલર ન હોવાના કારણે બેગેજ આવ્યું ન હતું. તો બીજી તરફ અમને બેગેજના ઢગલા કન્વેયર બેલ્ટ પાસે જોવા મળ્યા હતા.

તમે નહિં માનો પણ અમારી અઢી કલાકની ફ્લાઇટ જર્ની લગભગ 12 કલાકની થઇ ગઇ હતી. મારૂ તો ઠીક પણ જે લોકો ડીસેબલ્ડ હોય તેમનું શું? તેમને તો વ્હીલચેર પર ફરજીયાત બેસી જ રહેવું પડે. કશું ખાધા પીધા વગર ડાયાબિટીક પેશન્ટ્સ કે ઉંમરલાયક લોકોને કેટલી તકલીફ થતી હશે?

હું અહિં બીજી એક ખાસ વાત પર ધ્યાન દોરૂં છું. લંડન હીથરો એરપોર્ટ પર મેં કદી, ક્યારે પણ ગ્રીન ચેનલ પર કોઇ પણ કસ્ટમ ઓફિસરને જોયા નથી. માની લો કે મેઇન બેગેજ લગેજનું તો તેઓ અંદર સ્ક્રીનીંગ કરતા હશે પણ નાની હેન્ડ બેગ્સનું કોણ ચેકીંગ કરે છે? દેશ વિદેશથી આવતી રોજની હજારો ફલાઇટ્સમાં શું શું નહિં આવતું હોય?

વિશ્વના સૌથી વ્યસ્ત અને કહેવાતા પ્રતિષ્ઠીત એરપોર્ટ પર આ થઇ રહ્યું છે. આ બધું જોતાં મને લાગે છે કે એરપોર્ટ્સ વ્યવસ્થા દિન પ્રતિદિન ખાડામાં જઇ રહી છે. જાણે કે કોઇ કશું કરતું જ નથી. આ ફક્ત મારી નહિં પણ કેટલાય લોકોની હતાશા હશે.

(આ કોલમના લેખક શ્રી વ્રજ પાનખણીયા જાણીતી બ્લિડીંગ કન્સ્ટ્રક્શન કંપની વેસ્ટકોમ્બ ગૃપના સ્થાપક CEO, દેશની અગ્રણી ઉદ્યોગસાહસિક અને વિખ્યાત ફિલાન્થ્રોપીસ્ટ છે. તેઓ તેમના પરિવાર સાથે 1969માં કેન્યાથી યુકે આવ્યા હતા. તેમનુ ગૃપ જુના અને ગ્રેડ ટુ લીસ્ટેડ બિલ્ડીંગ ખરીદીને તેનું રિસ્ટોરેશન કરીને ઘર, ઓફિસ, હોટેલ વગેરે બનાવે છે. જે તેમના બે પુત્રો સુનિલ અને કમલ સંભાળે છે. તેઓ ધર્મપત્ની જ્યોત્સનાબેન, બે દિકરા, વહુઓ, ચાર ગ્રાન્ડ ચિલ્ડ્રન સાથે નોર્થ વેસ્ટ લંડનમાં રહે છે. અમે આશા રાખીએ છીએ કે તેઓ આ કોલમ દ્વારા તેમના અગાધ જ્ઞાન અને અનુભવનો લાભ આપશે.)

LEAVE A REPLY

15 + five =