પાનખણીયા પરિવારના સદસ્યો

મૂળ પોરબંદર પાસેના પટેલકા ગામના વતની અને ડીસેમ્બર 1950માં નાઇરોબીમાં જન્મેલા વ્રજ પાનખાણીયા લોકોની નજરમાં ભલે સંપન્ન મિલિયોનેર બિઝનેસમેન હોય પરંતુ તેઓ તન, મન અને હ્રદયથી એક સામાન્ય માણસ છે. તેમના ઘરમાં પ્રવેશતા જ તમને અતિથિ દેવો ભવ: અને ભલે પધાર્યા જેવા સુત્રો જોવા મળે. તો બીજી તરફ ‘આ ઘરમાં નિંદા કરવાની મનાઇ છે’ એવું સુત્ર પણ જોવા મળે છે.

વજુભાઇ કહે છે કે ‘’મારા દાદા પોપટભાઇ ગોવિંદભાઇ છેક ઇ.સ. 1900 પહેલા નાવડામાં બેસીને ઝાંઝીબાર, ટાન્ઝાનિયા ગયા હતા અને પછી નાઇરોબી સેટલ્ડ થયા હતા. પછી પિતા પરષોત્તમભાઇ બીજા વિશ્વયુધ્ધ વખતે નાઇરોબી ગયા અને પછી મારી માતા અને ત્રણ ભાઇ બેનોને લઇ ગયા હતા. મારો જન્મ ત્યાં જ થયો હતો. અમે 4 ભાઇ અને 5 બહેનોનો પરિવાર હતો. 60ના દાયકામાં મારા મોટાભાઇ મનોજભાઇ ભણવા માટે યુકે આવ્યા હતા. તે પછી તો આફિકન દેશોમાં આઝાદીની ચળવળો ચાલતી જોઇને ન છૂટકે અમારા આખા પરિવારે બ્રિટીશ પાસપોર્ટ સાથે ઓક્ટોબર 1969માં યુકે સ્થળાંતર કર્યું હતું.’’

પ્રગતિના સોપાન

માંડ 17 વર્ષની વયે યુકે આવેલા વજુભાઇ કહે છે કે ‘’મેં યુકે આવીને લંડનમાં એલિફન્ટ એન્ડ કાસલ ખાતે આવેલી લંડન કોલેજ ઓફ પ્રિન્ટીંગમાં પ્રિન્ટીંગનું ભણતર ચાલુ કર્યું હતું. સુપરમાર્કેટમાં સેલ્સમેન તરીકે કામ કરતો. ભાઇઓ શોપ ચલાવતા પણ મને પહેલાથી જ વેપાર કરવાની વૃત્તી. હું જ્યાં બે પૈસા વધારે પગાર મળતો ત્યાં નોકરી કરતો. મેં £50માં ખરીદેલી મારી પહેલા ફોર્ડ એંગ્લિયા કાર સુધારા વધારા કરી £100માં વેચી હતી. કારને સુધારીને તેમાંથી નફો કમાતો. તે સમયે મેં અને મારા ભાઇએ સાઉથ ઇસ્ટ લંડનના બ્લેકહીથમાં વેસ્ટકમ્બ હિલમાં એક પ્રોપર્ટી ખરીદી હતી. બાપ દાદાની સુથારી કામની જન્મજાત સ્કીલથી તે પ્રોપર્ટીને ફ્લેટમાં કન્વર્ટ કરીને સારો એવો નફો કરીને વેચી હતી. તે પછી તો પ્રોપર્ટી ખરીદી રીફર્બીશ કરી વેચતા ગયા હતા. મારા ભાઇથી છૂટા થયા પછી 1979થી હું પ્રોપર્ટી ખરીદીને તેનું રીફર્બીશમેન્ટ કરીને વેચતો. એક ધરમાંથી બે-ચાર-દસ ફ્લેટ બનાવીને અમે વિકાસ કરતા ગયા હતા. બેન્કો પણ લોન આપીને મદદ કરતી. અમે એક ‘ફેસ વેલ્યુ’ ઉભી કરી હતી. લોકોને અને બેન્કોને ભરોસો હતો કે આ લોકો દેવાળુ નહિં કાઢે અને કામમાં પણ ચોરી નહિં કરે.’’

ખૂબ જ આકરી મહેનત અને વર્ષોના અનુભવ બાદ સફળ થયેલા વજુભાઇ કહે છે કે ‘’પહેલા બિઝનેસનો વિકાસ સ્થિર રહ્યો હતો પરંતુ છેલ્લા 20 વર્ષોમાં તેનો વ્યાપ ખૂબ જ વધ્યો છે. મારો નાનો દિકરો સુનિલ UCLમાંથી કન્સ્ટ્રક્શન એન્જીનીયરીંગ ભણેલો છે તો મોટો દિકરો પણ UCLમાંથી ઇકોનોમિક્સ ભણેલો છે અને તે ફાઇનાન્સ એક્વીઝીશનનું કામ કરે છે. અત્યારે હું તેમની વચ્ચે રહીને માત્ર તેમને ચેતવવાનું કામ કરૂ છું. બન્ને દિકરાઓ પણ પ્રભુકૃપાથી ખૂબ જ સારી સફળતા મેળવી રહ્યા છે.’’

ભાવિ આયોજન અને આકાંક્ષા

વજુભાઇએ જણાવ્યું હતું કે ‘’સ્વાભાવિક છે કે હજુ અમારે ખૂબ જ વિકાસ કરવાનો છે. મારા અનુભવે હું કોઇ પણ વસ્તુ બહોળા નફા સાથે વેચી શકું છું. ભગવાને આપેલ બુધ્ધી અને દ્રષ્ટીનો ઉપયોગ કરીને અમે બિલ્ડીંગ રીસ્ટોરેશનમાં કૌશલ્ય મેળવ્યું છે. હીરા પારખુની જેમ જુની જેલ હોય કે હોસ્પિટલ, આર્મી બેરેક્સ હોય કે સ્કૂલ, લોકો જેમાં હાથ નાંખતા ડરે તેવા જુના અને ગ્રેડ ટુ લીસ્ટેડ બિલ્ડીંગ ખરીદીને તેનું રિસ્ટોરેશન કરીને ઘર, ઓફિસ, હોટેલ વગેરે બનાવીએ છીએ. હવે અમે હોસ્પિટાલીટી ક્ષેત્ર તરફ પણ નજર દોડાવી છે. પ્રભુની કૃપા સાથે છેલ્લા 50 વર્ષમાં હાડર્શીપ, તકલીફો, કપરા અનુભવો સાથે શિખવાનું પણ ઘણું મળ્યું છે. જો કે બિઝનેસ કનેક્શન વધતા ઘણી બાબતો આસાન થઇ છે. આજે અમારી પાસે 10-12 પ્રોફેશનલ્સની ટીમ છે જેઓ ઘણી જગ્યાએ મદદરૂપ થાય છે.’’

પરિવાર અને સંસ્કાર સિંચન

અમે ઘરમાં કે ફોન પર વાત શરૂ કરતા પહેલા હંમેશા સીતારામ, જયશ્રી કૃષ્ણ અને હરી બોલ કહીએ છીએ. મારો પરિવાર એજ મારૂ જીવન છે. તેમના વગર હું ન જીવી શકું. મારા ધર્મપત્ની જ્યોત્સના, બે દિકરા, વહુઓ, ચાર ગ્રાન્ડ ચિલ્ડ્રન અમે સૌ સાથે હળીમળીને જીવીએ છીએ. અમે સૌ શાકાહારી છીએ અને ઘરમાં પણ અમે ગુજરાતી જ બોલીએ છીએ. બાળકો કદીક ઇંગ્લિશ બોલી દે પણ મારો જવાબ તો ગુજરાતીમાં જ હોય.

સંસારી સંત પ્રાગજીભાઇ લાડવાએ મારામાં બહુ નાની વયથી ધર્મનું સિંચન કર્યું હતું. હું નિયમિત ભજનો ગણગણતો હોઉં છું અને સાચુ કહું તો ભજન મારો ખોરાક છે અને તે જ મને શાંતિ આપે છે. મને પહેલું આત્મજ્ઞાન એક વખત હનુમાન ચાલીસા સાંભળતી વખતે લાધ્યું હતું. હું કથા સાંભળું ત્યારે મને જાણે પ્રભુ મારી સામે સાક્ષાત બિરાજ્યા હોય અને અશિર્વાદ આપતા હોય તેવી અનુભુતી થાય છે. આવો જ ભાવ સૌને થાય તે આશયે અમે કથાના આયોજનો કરીએ છીએ.

સફળતાની ચાવી

વજુભાઇ કહે છે કે ‘’અમારો નિયમ છે કે ચોરી કરે તેને એક પળ માટે સાથે ન રાખવો, પણ મદદ માંગનારને થતી તમામ મદદ કરવી. આથી અમને ખૂબ જ સારા અને પ્રમાણિક સાથીદારોનો સહકાર મળ્યો છે. તમારા નિયમો, સિધ્ધાંતો, નીતિ, મતીથી તમારી ઓળખ ઉભી થાય છે. માટે જ જીવનમાં ચોખ્ખું અંતરમન  હોય તે જરૂરી છે.’’