રોયલ ચેરીટી પોલો ક્લબના વિજેતાઓને ઇનામ અર્પણ કરતા વ્રજ પાનખણીયા, કમલ પાનખણીયા, ડાબે પ્રિન્સ હેરી અને છેક જમણે પ્રિન્સ વિલિયમ તેમજ અન્ય ખેલાડીઓ નજરે પડે છે.

વિવધ દેશોમાં પોતાના સેવા કાર્યોના કારણે વિખ્યાત થયેલા વ્રજ પાનખણીયાના પિતાને સમાજ સેવાનો ખૂબ જ ભાવ હતો. એક વખત વજુભાઇએ કોઇક સ્થળે પિતાના નામની £7,000 દાનની તક્તી જોઇ નક્કી કર્યું હતું કે પિતાના પગલે ચાલીને સાચા અર્થમાં સમાજની સેવા કરવી. આજે 36 વર્ષથી વેસ્ટકમ્બ ફાઉન્ડેશન દ્વારા તેઓ ભારત, કેન્યા, નેપાળ અને યુકેમાં સેવા કાર્યો કરે છે.

વજુભાઇ કહે છે કે ‘’નોર્થ વેસ્ટ લંડનના બરહમવુડ પાર્કમાં વર્ષો પહેલા યોજાયેલી પૂ. મોરારી બાપુની કથાથી પ્રેરાઇને અમે 2009માં વેમ્બલી અરીનામાં પૂ. મોરારી બાપુની ઐતિહાસિક રામ કથા યોજી હતી. જેમાં 8 દિવસ સુધી 10,000 લોકોએ હાજરી આપી કથા અને પ્રસાદનો લાભ લીધો હતો. 2007માં ભૂપેન્દ્રભાઇ પંડ્યાનું હેરો લેઝર સેન્ટરમાં પ્રવચન કર્યું હતું. તો 2016માં હેરો લેઝર સેન્ટર ખાતે પૂ. ગિરી બાપુની શિવ પુરાણ કથા અને પ્રસાદનો 7 દિવસ સુધી હજારો લોકોએ લાભ લીધો હતો. 2018માં વેમ્બલી અરીનામાં આયોજીત પૂ. રમેશભાઈ ઓઝાની ભાગવત કથામાં 8 દિવસ સુધી દરરોજ હાજરી આપી ભક્તોએ મોટી સંખ્યામાં કથા-પ્રસાદનો લાભ લીધો હતો. મારો પૂ. ભાઇ શ્રી સાથે ખૂબ જ ઘનિષ્ઠ નાતો છે. તેમની સલાહથી અમારી વિશેષ ચેરીટી ટીમ સેવા કાર્યો કરે છે. આ ટીમ તપાસ અને સંશોધન કરી ક્યાં સેવા કાર્યો કરવા તેની મને સલાહ આપે છે.’’

વ્રજભાઇ હાલ ધ વીપી ચેરિટેબલ અનાથાશ્રમ, કુબીર કેન્સર હોસ્પિટલ, નૈરોબી વેલ્સ પ્રોજેક્ટ, એપોલો લ્યુકેમિયા હોસ્પિટલ ટ્રસ્ટ, વેસ્ટકમ્બ ફાઉન્ડેશનના સ્થાપક અને ટ્રસ્ટી તરીકે સેવાઓ આપે છે. તેમણે 2015માં હોપ 4 નેપાળના ચિલ્ડ્રન પ્રોજેક્ટની સ્થાપના કરી હતી.

વજુભાઇ કહે છે કે ‘’આગામી દસ વર્ષ અમારે વિદ્યા દાન, અન્ન દાન અને લોકોના માથે છત આપવા સહિતના સેવાકાર્યો કરવા છે. શાળા, કોલેજો અને હોસ્પિટલ્સના નિર્માણ કરવા છે. ભારત, કેન્યા અને યુકે ઉપરાંત અન્ય દેશોમાં અમારે સેવા કરવી છે.’’

યુકેના સેવાકાર્યો

યુકે માટે કોવિડ-19 રોગચાળાના કારણે 2021નું વર્ષ કઠિન રહ્યું હતું. તેમના ફાઉન્ડેશન દ્વારા ક્રિસમસ પર્વે ચેરિટી ક્રાઈસીસ સાથે મળીને ગરમ ભોજન, ક્રિસમસ ડિનર અને રહેવા માટે સલામત સ્થળ આપવામાં આવ્યું હતું. તો ટ્રસેલ ટ્રસ્ટ સાથે મળીને ફૂડ બેન્કોને મદદ કરાઇ હતી. 2012, 2013 અને 2015માં વેસ્ટકમ્બ ફાઉન્ડેશને લોર્ડ એન્ડ્રુ લોયડ વેબરની બર્કશાયર એસ્ટેટ ખાતે વાર્ષિક કાર્યક્રમ રોયલ ચેરિટી પોલો ડેના મુખ્ય સ્પોન્સરર હતા. 400થી વધુ VIP મહેમાનો સાથે વેસ્ટકોમ્બ ફાઉન્ડેશન હરાજી દ્વારા નોંધપાત્ર રકમ એકત્ર કરવામાં સફળ રહ્યું. ફાઉન્ડેશને લેસોથોમાં કાર્યરત પ્રિન્સ હેરી અને ડ્યુક ઑફ કેમ્બ્રિજ ચેરિટીઝ સેન્ટેબેલને અનાથ અને ગરીબી અને HIV/AIDSથી પીડાતા નિર્બળ બાળકોને મદદ કરવા માટે મોટી રકમ આપી હતી.

2012માં બાર્નેટ એશિયન ઓલ્ડ પીપલ એસોસિએશનને નાણાકીય સહાય કરાઇ હતી. જેને કારણે તેઓ ભંડોળમાં કાપ હોવા છતાં સ્વૈચ્છિક જૂથોને મદદ કરી શક્યા હતા.

કેન્યાના સેવાકાર્યો

વેસ્ટકમ્બ ચેરિટેબલ ફાઉન્ડેશને કેન્યામાં 2011, 2015 અને 2016માં જયપુર ફૂટ પ્રોજેક્ટના સહકારથી કૃત્રિમ અંગોના દાન કરવા ઉપરાંક દ્વારા વ્હીલચેર, વૉકિંગ એઇડ્સ અને ટ્રાઇસિકલ આપી વિકલાંગ વ્યક્તિઓને આજીવિકા કમાવા માટે સક્ષમ કર્યા હતા. મહિલાઓને સિલાઈ મશીન અને બિલ્ડ ટ્રેઇનીંગ સેન્ટર્સ પૂરા પાડ્યા હતા. 2016માં લાયન્સ સાઈટ ફર્સ્ટ આઈ હોસ્પિટલને ભંડોળ આપી 250 લોકોના મોતિયાની શસ્ત્રક્રિયા કરવામાં મદદ કરી હતી. આગામી દાયકામાં કદ અને ક્ષમતામાં સારી રીતે વિસ્તરણ કરવાના પ્રતિબધ્ધતા દાખવી હતી. 20 બાળગૃહોને ખોરાક, ઇકો-ફ્રેન્ડલી સ્ટવ્સ અને ન્યારી શહેરમાં સોલાર લેમ્પ્સનું દાન કર્યું હતું.

2017માં ફાઉન્ડેશને નૈરોબીની હોસ્પિટલને ફ્લોર બનાવવા માટે ભંડોળ પૂરું પાડ્યું હતું. 2003માં બોર વેલ્સ બનાવી નૈરોબીમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડતા ઘણા લોકોના બીમારીઓથી જીવ બચ્યા હતા.

ભારત અને નેપાળના સેવા પ્રોજેક્ટ્સ

વેસ્ટકમ્બ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ભારતમાં આરોગ્યસંભાળ અને શિક્ષણ માટે છેલ્લા ત્રણ દાયકાઓમાં ભંડોળ અને યોગદાન આપ્યું છે. આફ્રિકા અને ભારતમાં દૂરના વિસ્તારોમાં પુસ્તકો, નોટબુક, સ્ટેશનરી, સ્કૂલબેગ, સ્પોર્ટ્સ કીટ, ખોરાક અને અન્ય જરૂરિયાતોનું વિતરણ કરાય છે.

જામનગર પાસેના ગુંદડા ગામે 80 જેટલા વૃધ્ધો તૈયાર કરાયેલા વૃધ્ધાશ્રમનું જાન્યુઆરી 2022માં પૂ. ભાઇ શ્રીની ઉપસ્થિતીમાં તેમના અશિર્વાદ સાથે ઉદ્ધાટન કરાયું હતું. જ્યાંના રહેવાસીઓ સ્વતંત્ર રીતે સ્વસ્થ અને સુખી જીવન જીવી શકશે. તેમાં મંદિર, ધ્યાન હોલ, ડાઇનિંગ હોલ, મનોરંજન હોલ અને તબીબી સુવિધાઓનો સમાવેશ થાય છે. 2017માં ફાઉન્ડેશને મુંબઈમાં શાળામાં ટોયલેટ બ્લોક્સ બનાવ્યા હતા અને કિશોરવયની છોકરીઓને માસિક દરમિયાન શાળામાં જવા પ્રોત્સાહિત કરી હતી.

2016 ગુજરાતમાં સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. 2008માં મુંબઈમાં એપોલો લ્યુકેમિયા હોસ્પિટલ ટ્રસ્ટની સ્થાપના કરી મુંબઈમાં આધુનિક કેન્સર હોસ્પિટલ બનાવવા માટે કીમોથેરાપી યુનિટને ભંડોળ પૂરું પાડ્યું હતું. 1995માં જામનગરમાં કુબીર કેન્સર હોસ્પિટલને નવા તબીબી સાધનો પૂરા પાડ્યા હતા. જે ગુજરાતમાં તેના પ્રકારની પ્રથમ હોસ્પિટલ છે.

1985માં ગુજરાતના પોરબંદરમાં વેસ્ટકમ્બ ચેરિટેબલ અનાથાશ્રમ સ્થાપવામાં આવ્યું હતું. છેલ્લા 36 વર્ષોમાં અનાથાશ્રમનો વિકાસ થયો છે અને બાળકોને શક્ય તેટલું શ્રેષ્ઠ જીવન પ્રદાન કરે છે.

2015માં નેપાળમાં ભૂકંપ આવતા વ્રજભાઇએ નેપાળની મુલાકાત લઇ ખોરાક, પીવાના પાણી, ધાબળા, તંબુ / પતરાની છત, સ્વચ્છતા અને પાણી પુરવઠો અને બિલ્ડીંગ સપોર્ટની સહાય કરી હતી. શાળાઓ અને આશ્રય ગૃહોનું પુનઃનિર્માણ પણ કરાયું હતું. નોંધપાત્ર દાન સાથે હોપ 4 નેપાળે 132 વર્ગખંડો સાથે 22થી વધુ શાળાઓને સહાય કરી છે.