વૉલ્ધામસ્ટો વિસ્તારમાં બેરસફોર્ડ રોડ પર રહેતા એક એશિયન પરિવારના ઘરમાં પાર્સલ ડીલીવરી ડ્રાઇવરનો સ્વાંગ સજીને ઘુસી આવેલા પાંચ લુંટારાઓએ તા. 11 જાન્યુઆરીએ ધોળે દિવસે પાંચ બાળકોને છરીની ઘાર પર રાખીને કિંમતી દાગીના, રોકડ અને અન્ય માલમત્તાની બિન્દાસ્ત લુંટ ચલાવી હતી. સમગ્ર ઘટનાના સીસી ટીવી કેમેરાના ફૂટેજ સોશ્યલ મિડીયા પર વાઇરલ થતાં લોકો ફફડી ઉઠ્યા છે.

ડિલિવરી ડ્રાઈવર જેવો સ્વાંગ રચનાર લુંટારાએ ઓરેન્જ કલરનું હાઈ-વિઝ જેકેટ પહેર્યું હતું અને પાર્સલ ડીલીવરી કરવાનું છે તેમ કહી બપોરના 2-30 કલાકે ડોરબેલ વગાડી ઘરનો દરવાજો ખોલાવ્યો હતો. ટેનએજર દિકરીએ દરવાજો ખોલતાં જ લુંટારાએ સહિ કરવી જરૂરી છે તેમ કહેતા તેણીએ પોતાની મોટી બેનને બોલાવી હતી. તે ટીનએજર છોકરી પાછી વળતાં જ હાઇ વિઝ પહેરેલો લુંટારો તેણીને ધક્કો મારી ઘરમાં ઘુસી ગયો હતો અને તેની પાછળ રાહ જોઇને ઘરની બહાર દૂર ઉભા રહેલા બીજા ચાર લુટારા કમ્પાઉન્ડ વોલ કુદીને ઘરમાં ઘુસી આવ્યા હતા.

49 વર્ષીય પિતા નાઝે જણાવ્યું હતું કે ‘’શકમંદ લુંટારાઓએ તેમના ઘરમાં પ્રવેશી બધા રૂમમાં જઇને સામાન વેરવિખેર કરી દઇ કિંમતી વસ્તુઓની શોધખોળ કરી હતી.  તેમણે પાંચેય બહેનોને છરી બતાવી ધમકી આપી હતી. મારી 24 વર્ષીય દિકરી ગભરાઇ જતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યારે 20 વર્ષિય દિકરીને એક લુંટારાએ મારતા ચહેરા પર ઈજાઓ થઈ હતી. શંકાસ્પદ લુંટારા ઘરમાંથી ઝવેરાત, ફોન, પાસપોર્ટ, આઈપેડ, ડિઝાઇનર હેન્ડબેગ, એરપોડ, આઈડી કાર્ડ અને ડિઝાઇનર ઘડિયાળની લુંટ ચલાવી ભાગી છુટ્યા હતા.’’

નાઝે કહ્યું હતું કે ‘’મારી 20 વર્ષીય દિકરી જ્યારે ઘરમાં હંગામો સંભળાયો ત્યારે ઉપરના માળે હતી. તે પોલીસને બોલાવવા માટે લોફ્ટમાં દોડી ગઈ હતી. પરંતુ પગથિયા ચઢવાનો અવાજ આવતાં એક લુંટારો તેની પાછળ દોડ્યો હતો અને તેણી બાથરૂમમાં છૂપાય તે પહેલા તેને પકડીને મારી હતી અને ફોન પડાવી લીધો હતો. તેની પીઠ પર છરી લગાવી લુંટારા તેને નીચે બીજી બહેનો પાસે લઇ આવ્યા હતા અને પૈસાની માંગણી કરી વારંવાર માર માર્યો હતો. મારી પુત્રી કહેતી રહી હતી કે અમારી પાસે પૈસા નથી પરંતુ તેઓ માનતા નહોતા. મારા બાળકોને ડરાવી દીધા હતા.’’

નાઝે જણાવ્યું હતું કે ‘’મારી 13 વર્ષની પુત્રી તેની બહેનોને બચાવવા ઉભી થઇ ગઇ હતી. પરંતુ લુંટારાઓએ મારી નવ વર્ષની પુત્રીનો હાથ પકડી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ ઘરમાં પૈસા જ નહોતા. મારી બે મોટી દિકરીઓને તેઓ કિંમતી વસ્તુઓ બતાવવા માટે ઉપર લઇ ગયા હતા. જ્યારે ત્રણ નાની છોકરીઓ નીચે ચીસો પાડી રહી હતી. પરંતુ તેઓ જે માલમત્તા મળી તે લુંટી ભાગી છૂટ્યા હતા.’’ પોલીસે શંકાસ્પદ લોકોની માહિતી આપવા લોકોને અપીલ કરી 101 ઉપર ફોન કરવા કે  ક્રાઈમસ્ટોપર્સને 0800 555 111 ઉપર જાણ કરવા વિનંતી કરી છે.