મુંબઈ હાઇ કોર્ટે શાહરુખ ખાનના પુત્ર આર્યનને જામીન આપતા મુંબઈમાં સુપરસ્ટારના મન્નત બંગલાના બહાર ચાહકોનું એક મોટું ટોળું એકત્ર થયું હતું અને ઉજવણી કરી હતી. (ANI Photo)

શાહરુખના ખાનના ચાહકોની પ્રાર્થનાઓ આખરે ગુરુવાલે ફળી હતી. મુંબઈ હાઇ કોર્ટે તેના પુત્ર આર્યનને જામીન આપતા સુપરસ્ટારના બંગલાના બહાર ચાહકોનું એક મોટું ટોળું એકત્ર થયું હતું અને ઉજવણી કરી હતી. કોર્ટના આદેશ બાદ શાહરુખના મન્નત બંગલાની બહાર ચાહકો આવવા લાગ્યા હતા. ટોળાને અંકુશમાં રાખવા માટે 20 પોલીસને તૈનાત કરવામાં આવ્યા હતા. શાહરુખના સૌથી મોટા પુત્ર અબરામે ટેરેસમાંથી ચાહકોનું અભિવાદન કર્યું હતું. ચાહકો બેનર લઈને આવ્યા હતા, જેમાં લખ્યું હતું કે વેલકમ બેક પ્રિન્સ આર્યન. બીજા કેટલાંક ચાહકો પ્લેકાર્ડ લઈને આવ્યા હતા, જેમાં લખ્યું હતું કે વી લવ શાહરુખ. વી લવ આર્યન.

દરમિયાન ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને જામીન મળ્યા બાદ પણ મહારાષ્ટ્રના પ્રધાન અને એનસીપીના નેતા નવાબ મલિકે એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે સામે હુમલા ચાલુ રાખીને જણાવ્યું હતું કે પિક્ચર અભી બાકી હૈ. મલિકે ડ્રગ્સ કેસને ફરી બનાવટી ગણાવ્યો છે અને ગેરકાયદેસર ફોન ટેપિંગ અને ખોટા દસ્તાવેજો બનાવવાના વાનખેડે સહિતના એનસીબીના અધિકારીઓ સામે આક્ષેપો કર્યો છે. ગુરુવારે મલિકે જણાવ્યું હતું કે આર્યન ખાનની ધરપકડ કરનાર વાનખેડે ધરપકડથી બચવા માટે બોમ્બે હાઇ કોર્ટનો આશ્રય લઈ રહ્યાં છે. તેમણે કંઇ ખોટું કર્યું હશે, નહીતર કોર્ટમાંથી રક્ષણ કેમ માગી રહ્યાં છે.