(ANI Photo)

ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 સીરીઝની પાંચમી અને છેલ્લી મેચમાં 8 વિકેટે પરાજય સાથે સીરીઝ 2-3થી ગુમાવી હતી. રોવમેન પોવેલના સુકાનીપદે વેસ્ટ ઈન્ડિઝે 17 વર્ષ પછી ભારત સામે આ રીતે સીરીઝમાં વિજયનો રેકોર્ડ કર્યો હતો. રવિવારે અમેરિકાના ફલોરિડામાં રમાયેલી અંતિમ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતાં 9 વિકેટે 165 રન કર્યા હતા, જે ફલોરિડાની વિકેટ માટે ખાસ પડકારજનક ટાર્ગેટ ગણાતો નહોતો. વેસ્ટ ઈન્ડિઝે 18 ઓવર્સમાં અને તે પણ ફક્ત બે વિકેટ ગુમાવીને વિજય ધ્વજ લહેરાવ્યો હતો. વરસાદ અને ખરાબ હવામાન, ખાસ તો વીજળી પડવાની આગાહીના કારણે મેચમાં ત્રણેક વખત વિક્ષેપ પડ્યો હતો. આ ઉપરાંત, આ સમગ્ર પ્રવાસમાં ભારતની બોલિંગ નબળી હોવાનું ખુલ્લુ પડ્યું હતું, તો બેટિંગમાં પણ સાતત્યનો અભાવ વર્તાયો હતો. 

રવિવારની છેલ્લી મેચમાં ભારતે ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો, તો વેસ્ટ ઈન્ડિઝના સુકાની પોવેલે અકીલ હુસેનના હાથે સ્પિન દ્વારા બોલિંગની શરૂઆત કરી ભારત માટે મુશ્કેલી ઉભી કરી હતી. હુસેને પહેલી જ ઓવરમાં યશસ્વી જયસ્વાલની અને પછી પોતાની બીજી ઓવરમાં શુભમન ગિલની વિકેટ ખેરવી ભારતને જોરદાર આંચકા આપ્યા હતા. તેમાંથી એકંદરે ભારત બહાર આવી શક્યું નહોતું. 

સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ ત્રીજી વિકેટની ભાગીદારીમાં પાંચ ઓવરમાં 49 રન ઉમેરી બાજી કઈંક સંભાળી હતી, પણ એ પછી તિલક અને ત્યારબાદ સંજુ સેમસન કઈંક ખાસ કર્યા વિના આઉટ થયા હતા. સૂર્યકુમાર કઈંક સારી બેટિંગ કરી રહ્યો હતો અને 18મી ઓવર સુધી ટકી રહી તેણે ટીમને સારી સ્થિતિમાં પહોંચાડી હતી. જો કે, 18મી ઓવર પુરી થવાના એક બોલ પહેલા તે વિદાય થયો ત્યારે ભારતનો સ્કોર 140 હતો અને ભારત એ રીતે 9 વિકેટે 165 રન કરી શક્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોમારીઓ શેફર્ડે ચાર, અકીલ હુસેન અને જેસન હોલ્ડરે બે-બે વિકેટ ખેરવી હતી. 

જો કે, વેસ્ટ ઈન્ડિઝે તેના જવાબમાં 12 રન પહેલી, માયર્સની વિકેટ ગુમાવ્યા પછી ખૂબજ આક્રમક બેટિંગ સાથે નિકોલસ પૂરન અને બ્રેન્ડન કિંગે 107 રન ઉમેર્યા હતા અને કિંગે અણનમ રહી 85 રન કર્યા હતા, તો પૂરન 47 રન કરી આઉટ થયો હતો. 

શેઈ હોપ 22 રન કરી અણનમ રહ્યો હતો. શેફર્ડને પ્લેયર ઓફ ધી મેચ તથા નિકોલસ પૂરનને પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાયા હતા.  

ચોથી ટી-20માં ભારતનો 9 વિકેટે વિજયઃ એ અગાઉ, શનિવારે ફલોરિડામાં જ રમાયેલી ચોથી ટી-20માં ભારત શાનદાર બેટિંગ સાથે વેસ્ટ ઈન્ડિઝને 9 વિકેટે હરાવી પાંચ મેચની આ ટી-20 સીરીઝમાં 2-2ની બરાબરીમાં પહોંચ્યું હતું. 

વેસ્ટ ઈન્ડિઝે પહેલા બેટિંગ કરતાં 8 વિકેટે 178 રન ખડકી દીધા હતા. શેઈ હોપે 45 અને હેટમાયરે 61 રન કર્યા હતા, તો ભારત તરફથી અર્શદીપે ત્રણ અને કુલદીપ યાદવે બે વિકેટ લીધી હતી. જવાબમાં ભારતની નવી ઓપનિંગ જોડી યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે 165 રનની રેકોર્ડ ભાગીદારી સાથે આ પડકારજનક ટાર્ગેટ આસાન બનાવ્યો હતો. ગિલ 47 બોલમાં પાંચ છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથે 77 રન કરી વિદાય થયો હતો, તો જયસ્વાલે 51 બોલમાં ત્રણ છગ્ગા અને 11 ચોગ્ગા સાથે અણનમ રહી 84 રન કર્યા હતા. જયસ્વાલને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. 

ત્રીજી ટી-20માં ભારતનો 7 વિકેટે વિજયઃ એ પહેલા, ગયા સપ્તાહમાં મંગળવારે (8 ઓગસ્ટ) ગયાનામાં રમાયેલી ત્રીજી ટી-20માં પણ ભારતે સાત વિકેટે વેસ્ટ ઈન્ડિઝને હરાવી સીરીઝમાં પહેલા વિજય સાથે સીરીઝ જીવંત રાખી હતી. પ્રથમ બે મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો વિજય થયો હતો. 

મંગળવારના મુકાબલામાં વેસ્ટ ઈન્ડિઝે પહેલા બેટિંગ કરતાં પાંચ વિકેટે 159 રન કર્યા હતા. ઓપનર બેન્ડન કિંગે 42 અને સુકાની પોવેલે અણનમ 40 રન કર્યા હતા, તો ભારત તરફથી કુલદીપ યાદવે ત્રણ વિકેટ લીધી હતી. જવાબમાં ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 44 બોલમાં ચાર છગ્ગા અને 10 ચોગ્ગા સાથે 83 અને નવોદિત તિલક વર્માએ 37 બોલમાં અણનમ 49 રન કર્યા હતા. ભારતે 160ના ટાર્ગેટ સામે 17.5 ઓવરમાં ત્રણ વિકેટે 164 રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. 

LEAVE A REPLY

one + twenty =