વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસ મહામારી દરમિયાન સ્વચ્છતા અને સુરક્ષાને લઈ અનેક પ્રકારના દિશા-નિર્દેશ બહાર પાડ્યા છે અને તે અંતર્ગત ફુડ સેફ્ટીને લઈ કેટલીક ટીપ્સ આપવામાં આવી છે. સાથે જ તે શા માટે જરૂરી છે તેમ પણ બતાવવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ ખાવાની વસ્તુને સુરક્ષિત રાખવા કઈ પાંચ પદ્ધતિઓ વાપરી શકાય.
સફાઈનું વિશેષ ધ્યાન રાખો

ખાવાનું બનાવતી વખતે અથવા તો કોઈ પણ ખાદ્ય સામગ્રીને અડતા પહેલા બંને હાથને સારી રીતે સાફ કરો. ટોયલેટ કર્યા બાદ હાથને સારી રીતે ધોવો. ભોજન બનાવતી વખતે જેટલી પણ સપાટીના સંસર્ગમાં આવવાનું થતું હોય તેને સારી રીતે ધોવો અથવા સેનિટાઈઝ કરો.

કિચન એરિયાને તમામ પ્રકારના જીવ-જંતુઓથી દૂર રાખો અને પ્રાણીઓથી દૂર રહો. મોટા ભાગના સૂક્ષ્મ જીવ બીમારીનું કારણ નથી હોતા પરંતુ ગંદી સપાટી, પાણી અને પ્રાણીઓમાં વ્યાપક પ્રમાણમાં ખતરનાક સૂક્ષ્મ જીવો હોય છે. આવા સૂક્ષ્મજીવો વાસણ લુછવામાં, રસોડાના અન્ય કપડા અને કટિંગ બોર્ડમાં સરળતાથી આવી જાય છે અને હાથ દ્વારા ભોજન સુધી પહોંચે છે જેથી અનેક પ્રકારના ખોરાકથી થતા રોગ થાય છે.

કાચુ અને પકવેલું ભોજન અલગ રાખો
કાચુ માંસ, સી ફુડ અને ચિકન વગેરેને અન્ય ખાદ્ય પદાર્થોથી દૂર રાખો. કાચા ભોજન માટેની સામગ્રી અને વાસણ પણ અલગ રાખો. કાચા ભોજન માટેના કટિંગ બોર્ડ્સ, ચપ્પા વગેરેને પછી બીજું ભોજન બનાવતી વખતે ન વાપરશો. કાચા અને પકાવેલા ભોજન વચ્ચે અંતર જાળવવા તેમને કોઈ ઢાંકેલા કે પેક કરી શકાય તેવા વાસણમાં રાખો. કાચુ ભોજન અને ખાસ કરીને માંસ, પોલ્ટ્રી, સી ફુડ્સ અને તેમના જ્યુસમાં ખતરનાક સૂક્ષ્મજીવો હોય છે. ખાવાનું બનાવતી વખતે તે બીજા ભોજનમાં જઈ શકે છે માટે તેમને અલગ રાખવા જોઈએ.

ભોજનને સારી રીતે બનાવો
ખાસ કરીને માંસ, ઈંડા, પોલ્ટ્રી અને સી ફુડ્સ સહિતના ભોજનને સારી રીતે ચડવા દો. તેમને 70 ડિગ્રી સેલ્સિયસ પર ધીરે-ધીરે બાફીને સારી રીતે પકાવો. તેના સુપ બનાવતી વખતે તે ગુલાબી રંગના ન દેખાય અને સાફ દેખાય તેનું ધ્યાન રાખો. તાપમાન ચેક કરવા માટે થર્મોમીટરનો ઉપયોગ કરો અને રાંધેલુ ભોજન જમતા પહેલા ફરી એક વખત સરખું ગરમ કરો. ભોજનને સારી રીતે રાંધવાથી તમામ જીવ-જંતુ મરી જાય છે. એક અભ્યાસમાં 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાંધેલુ ભોજન ખાવા માટે સુરક્ષિત છે તેવું સાબિત થયું હતું. ભોજન બનાવતી વખતે ખીમા, માંસ અને પોલ્ટ્રી ફુડ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ભોજનને સુરક્ષિત તાપમાને રાખો
રૂમ ટેમ્પરેચર પર રાંધવામાં આવેલા ભોજનને બે કલાકથી વધારે સમય ન રાખશો. રાંધેલા ભોજનને ફ્રિજમાં યોગ્ય તાપમાને રાખો. ભોજન પીરસતા પહેલા ઓછામાં ઓછા 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સરખી રીતે ગરમ કરો. ભોજનને લાંબો સમય ફ્રિજમાં ન સાચવશો. રૂમ ટેમ્પરેચર પર રાખવામાં આવેલા ભોજનમાં સૂક્ષ્મ જીવો ખૂબ જ ઝડપથી વધે છે. 5 ડિગ્રીથી ઓછા અને 60 ડિગ્રીથી ઉંચા તાપમાને આ સૂક્ષ્મ જીવોનો વિકાસ અટકી જાય છે. જો કે, કેટલાક ખતરનાક જીવો 5 ડિગ્રીથી ઓછા તાપમાને પણ વધવાનું ચાલુ રહે છે.

સ્વચ્છ પાણીનો ઉપયોગ કરો
પીવા અને ભોજન બનાવવા માટે હંમેશા સ્વચ્છ પાણીનો ઉપયોગ કરો. બની શકે તો પાણીને પીતા પહેલા ઉકાળી લો. શાકભાજી અને ફળોને સારી રીતે ધોઈ લેવા. તાજા અને પૌષ્ટિક પદાર્થોનું સેવન કરવું. એક્સપાયરી ડેટ વીતી ગયેલો ખોરાક ન ખાશો અને પીવા માટે પાશ્ચરાઈઝ્ડ દૂધ વધુ સારૂ રહે છે. કાચી સામગ્રી ઉપરાંત ઘણી વખત પાણી અને બરફમાં પણ ખતરનાક સૂક્ષ્મજીવો હોય છે જે પાણીને ઝેરીલું બનાવે છે. કાચા ખાદ્ય પદાર્થોની ખરીદી વખતે ધ્યાન રાખો અને તેને સ્વચ્છ પાણીમાં ધોઈને જ ઉપયોગમાં લો.