વિશ્વમાં મંકીપોક્સના સંક્રમણના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર-જનરલ ટેડરોસ એડહાનોમે અસરગ્રસ્ત દેશોને બીમારીને નિયંત્રિત કરવા માટે તમામ કેસ અને સંપર્કોને ઓળખવા માટે અરજ કરી છે. આ અંગે તેમણે ટ્વીટર પર જણાવ્યું છે કે, ‘29 દેશોમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના એક હજારથી વધુ કેસ જોવા મળ્યા છે, આ દેશોમાં આ બીમારી બિન એન્ડેમિક નથી. જોકે, અત્યાર સુધીમાં મંકીપોકસને કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી. આ સ્થિતિમાં ઓર્ગેનાઇઝેશને અસરગ્રસ્ત દેશોને આ મહામારીના સંક્રમણને અટકાવવા માટે જરૂરી પગલાં લેવા વિનંતી કરે છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બિન એન્ડેમિક દેશોમાં મંકીપોક્સ સ્થાયી થવાનું જોખમ રહેલું છે.
રસીકરણ અંગે તેમણે જણાવ્યું હતું કે, મંકીપોક્સ માટે એન્ટિવાઇરલ્સ અને વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ તેનો પૂરવઠો મર્યાદિત છે. ઓર્ગેનાઇઝેશન જાહેર આરોગ્યની જરૂરીયાતોના આધારે એક સંકલિત તંત્ર વિકસાવવા માટે કાર્ય કરી રહ્યું છે. જે રીતે 29 દેશોમાં આ રોગ ફેલાયો છે તેને ધ્યાનમાં રાખીને સામૂહિક રસીકરણ કરવું જરૂરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે લોકોમાં મંકીપોક્સના લક્ષણ જોવા મળ્યા છે તેમણે ઘરમાં જ રહેવું જોઇએ અને સંક્રમિત લોકો સાથે ઘરમાં રહેનારાથી દૂર રહેવું જોઇએ.
ટેડરોસે એમ પણ જણાવ્યું હતું કે, આ વાઇરસ આફ્રિકામાં દાયકાઓથી જોવા મળે છે અને લોકોના મૃત્યુનું કારણ બન્યો છે, પરંતુ હવે તેણે ઊંચી આવક ધરાવતા દેશોને અસર કરવાનું શરૂ કર્યું ત્યારે વિશ્વએ તેને ધ્યાનમાં લીધું છે.